મોરબીના રવાપર ચોકડી ખાતે ટ્રાફિક પોઈન્ટ પર ફરજ બજાવતા ટ્રાફિક શાખાના પોલીસ કોન્સ્ટેબલને એક્ટીવા ચાલક અને બે અન્ય ઇસમોએ આવી, ઉગ્ર બોલાચાલી કરી, ગાળો આપી અને કાર વડે ફૂટબોલની જેમ ઉડાડી દેવાની ધમકી આપી હતી. આ મામલે પોલીસે કુલ ત્રણ આરોપીઓ ફરજમાં રુકાવટ સહિતની સામે બીએનએસ કલમ હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની તજવીજ હાથ ધરી છે.
મોરબી શહેરના રવાપર ચોકડી વિસ્તારમાં ટ્રાફિક પોઈન્ટ પર ફરજ બજાવતા કોન્સ્ટેબલ જીગ્નેશ પ્રવિણભાઈ લાંબાએ આરોપી એકટીવા રજી.નં. જીજે-૩૬-એએમ-૮૧૮૦ના ચાલક યસ મેરામભાઈ બાલાસરા તથા અન્ય બે અજાણ્યા ઈસમો એમ કુલ ત્રણ આરોપીઓ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ મુજબ, પોલીસ કોન્સ્ટેબલ જીગ્નેશભાઈ ટ્રાફિક શાખા વિભાગમાંથી રવાપર ચોકડીના ટ્રાફિક પોઈન્ટ ઉપર ફરજ ઉપર હોય તે દરમિયાન અવની ચોકડી તરફની સાઇડ બંધ કરાવેલ હતી ત્યારે એક્ટીવા નં. જીજે-૩૬-એએમ-૮૧૮૦ ચલાવી આવતા યસ મેરામભાઈ બાલાસરા સાઈડ તોડીને આવેલ જેથી તેને અટકાવ્યો હતો, જેથી ઉપરોક્ત એકટીવા ચાલક પોલીસ કોન્સ્ટેબલ સાથે બોલાચાલી કરી અને કહ્યું કે, “તમે ત્યાં ઊભા રહો, હું હમણા જ પાછો આવીશ.” થોડીવાર બાદ, કેપિટલ માર્કેટ નજીક એક્ટીવા રાખીને યસ મેરામભાઈએ કોઇને ફોન કર્યો અને થોડા સમય બાદ બ્લુ કલરની સ્વીફ્ટ કારમાં બે અજાણ્યા ઇસમો સાથે સ્થળ પર આવી પહોંચ્યા. ત્યારે ત્રણેયે મળીને ટ્રાફિક પોઈન્ટ પર ફરજ બજાવતા કોન્સ્ટેબલ સાથે ઉગ્ર બોલાચાલી કરી, ગાળો આપી અને ગંભીર ધમકી આપી કે, “હવે તું ટ્રાફિક પોઇન્ટ ઉપર ઉભો રહેજે, હું તને ફૂટબોલની જેમ ઉડાડુ છું કે નહીં” તેવી ધમકી દઈ કાયદેસરની ફરજમાં રુકાવટ કરી હતી. આ મામલે ફરીયાદના આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની અલગ અલગ કલમ તથા ફરજમાં રુકાવટ અંગેની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.