મોરબી રાજકોટ હાઇવે ઉપર અજંતા કલોક સામે આવેલ આશીર્વાદ મોટર્સમાં રીપેરીંગ માટે મુકેલ કારના રીપેરીંગ ખર્ચના બિલ કરતા વધારે રૂપિયા લઇ લીધા હોય તે બાબતે વાત કરવા આવેલ કાર માલિક યુવકને ગેરેજવાળાએ બેફામ ગાળો આપી જાતિ પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે સમગ્ર બનાવ અંગે યુવક દ્વારા એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતા પારસભાઈ ગીરધરભાઈ વાઘેલાએ પોતાની હ્યુડાઈ કંપનીની ક્રેટા કાર રજી.નં.જીજે-૩૬-એજે-૨૮૫૯ આજથી સાતેક મહિના પહેલા મોરબી રાજકોટ હાઇવે ઉપર અજંતા કલોક સામે આવેલ આશીર્વાદ મોટર્સમાં રીપેરીંગ માટે મૂકી હતી. ત્યારે તેના રીપેરીંગ ખર્ચના બીલ કરતા વધારે રૂપિયા આશીર્વાદ મોટર્સ વાળાએ લીધા હોય જે અંગે પારસભાઈ આશીર્વાદ મોટર્સના સારંગભાઈ ગઢવી સાથે વાત કરવા તેમની ગેરેજે ગયા ત્યારે ઉપરોક્ત બાબત જણાવતા જે સારંગભાઈ ગઢવીને સારું નહીં લાગતા પારસભાઈ સાથે બોલાચાલી કરી ગાળો આપવા લાગેલ અને જાતિપ્રત્યે અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી પારસભાઈએ સીટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.