મોરબીમાં રવાપર-ધુનડા રોડ ઉપર આવેલ સરસ્વતી પાર્ટી પ્લોટના પાર્કિંગમાં પાર્ક કરેલ કારખાનાના કર્મચારીના બાઈકની અજાણ્યા ચોર ઈસમ દ્વારા ચોરી કરી લઇ ગયા અંગેની અત્રેના એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. હાલ પોલીસે અજાણ્યા બાઈક ચોર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર મૂળ દેવભૂમિ દ્વારકા જીલ્લાના મોરજર ગામના રહેવાસી હાલ માધવ પેલેસ ફ્લેટ નં.૬૦૧ માં રહેતા નિર્મલભાઈ બિપીનભાઈ ભાલોડીયા ગત તા.૧૩/૦૨ ના રોજ પોતાના મિત્ર સાથે સંબંધીને ત્યાં પ્રસંગ હોય જેથી રવાપર-ધુનડા રોડ ઉપર આવેલ સરસ્વતી પાર્ટી પ્લોટમાં બાઈક રજી.જીજે-૩૭-કે-૧૧૯૬ લઈને ગયા હોય ત્યારે નિર્મલભાઈનું ઉપરોક્ત રજી.નંબરનું બાઈક સરસ્વતી પાર્ટી પ્લોટના પાર્કિંગમાં હેન્ડલ લોક કરીને પાર્ક કરીને પાર્ટી પ્લોટમાં અંદર પ્રસંગમાં જતા રહ્યા હતા. ત્યારબાદ રાત્રીના આશરે અગીયાર વાગ્યાના અરસામાં પ્રસંગ પૂર્ણ કરી પાર્કિંગમાં પાર્ક કરેલ બાઈકની જગ્યાએ આવતા બાઈક જોવામાં આવેલ નહિ. જે કોઈ અજાણ્યો ચોર ચોરી કરી લઇ ગયાનું માલુમ પડતા નિર્મલભાઈ દ્વારા બાઈક ચોરી માટેની પ્રથમ ઈ-એફઆઈઆર નોંધાવ્યા બાદ આજરોજ મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં રૂબરૂ બાઈક ચોરી અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી અજાણ્યા બાઈક ચોર વિરુદ્ધ ગુનો દાખલ કરી બાઈકની શોધખોળ શરૂ કરી છે.