ગાંઠિયાની લારી પાસે ગટરનું ઢાંકણું તોડશો તો દુર્ગંધને કારણે કોઈ ગ્રાહક નહીં આવે તેવી રજુઆતમાં ગેરેજ સંચાલક ત્રણેય ભાઈઓ ઉશ્કેરાયા
મોરબીના શનાળા રોડ માર્કેટિંગ યાર્ડ પાસે ગાંઠિયાની લારી ચલાવતા ત્રણ ભાઈઓને ઢીકાપાટુ અને લોખંડના પાઇપ વડે માર મારનાર ગેરેજ સંચાલક ત્રણ ભાઈઓ સામે અત્રેના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં પાણીના નિકાલ માટે ભૂગર્ભ ગટરનું ઢાંકણું તોડતા ગેરેજ સંચાલક ભાઈઓને ગટરનું ઢાંકણું ન તોડવા અંગે વાત કરવા જતા એકદમ ઉશ્કેરાયેલ ગેરેજ સંચાલક ત્રણ ભાઈઓએ ગાંઠિયાની લારી ચલાવતા ત્રણ ભાઈઓને અપશબ્દો બોલી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, હ પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર મોરબીના શનાળા બાયપાસ રોડ નજીક આવેલ આનંદનગરમાં રહેતા હેમરાજભાઈ દિલીપભાઈ સરવૈયા ઉવ.૩૦ દ્વારા એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી રમેશભાઈ વિરજીભાઈ પરમાર, મનસુખભાઇ વિરજીભાઈ પરમાર તથા દયારામભાઈ વિરજીભાઈ પરમાર રહે. ત્રણેય મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ફરિયાદી હેમરાજભાઈ અને તેમના બે ભાઈઓ શનાળા રોડ માર્કેટિંગ યાર્ડ પાસે મહાદેવ ગાંઠિયા નામની લારી ચલાવતા હોય ત્યારે ત્યાં ખોડિયાર ગેરેજવાળા પાણીના નિકાલ માટે ગટરનું ઢાંકણું તોડતા હોય જેથી ફરિયાદી હેમરાજભાઈ અને તેમના બંને ભાઈ ખોડિયાર ગેરેજના આરોપી રમેશભાઈ અને મનસુખભાઇ પાસે ગટરનું ઢાંકણું ન તોડવા બાબતે વાત કરવા ગયા હતા, હેમરાજભાઈએ કહ્યું કે ગટરનું ઢાંકણું તોડશો તો દુર્ગંધને કારણે કોઈ ગ્રાહક નાસ્તો કરવા નહીં આવી જે મુજબની રજુઆત કરતા આરોપી રમેશભાઈ અને મનસુખભાઇ એકદમ ઉશ્કેરાઈ હેમરાજભાઈ અને તેમના ભાઈઓને બેફામ અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા જે દરમીયાન આરોપી દયારામભાઈ આવી જતા તેને લોખંડના પાઇપ સાથે આવી ત્રણેય ભાઈઓ સાતગે ઝપાઝપી કરી હેમરાજભાઈના માથામાં પાઇપ મારી દીધો હતો, આ સાથે દેકારો થતા આજુબાજુના લોકો એકઠા થઈ જતા ત્રણેય આરોપીઓના વધુ મારથી છોડાવ્યા હતા. ત્યારે જાનથી મારી નાખવાની ધમકી આપી ત્રણેય આરોપીઓ સ્થળ ઉપરથી નાસી ગયા હતા.
ઉપરોક્ત બનાવ બાદ મૂંઢ ઇજાઓને કારણે ભોગ બનનાર ત્રણેય ભાઈઓએ સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી હતી જ્યાંથી પોલીસ સમક્ષ ત્રણેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.