કાળી બલેનો કારમાં આવેલા અજાણ્યા ચાર ઈસમો દ્વારા ડીઝલ ચોરીને અંજામ આપ્યો હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ.
મોરબી તાલુકાના મકનસર ગામની સીમમાં પાર્ક કરેલા ટ્રેઇલરમાંથી અજાણ્યા ચાર શખ્સોએ કાળી બલેનો કારમાં આવી ૨૦૦ લીટર ડીઝલ ચોરી કર્યાની ઘટના સામે આવી છે. બનાવ બાબતે ટ્રક ચાલકો પાસેથી મળેલ વિગતોમાં આવી જ રીતના ડીઝલ ચોરીના બનાવમાં પીપળી નજીક ટેમ્પામાંથી પણ ડીઝલ ચોરી થયું હોવાનું સામે આવ્યું છે, જેથી હાલ તાલુકા પોલીસે ટ્રેઇલર ચાલકની ફરિયાદને આધારે કાળા કલરની બલેનો કારમાં આવેલ ચાર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તમામ આરોપીઓની અલગ અલગ દિશામાં શોધખોળ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર, મૂળ રાજસ્થાનના બાડમેર જીલ્લાના અડેલ ગામના અને હાલ મુન્દ્રા કચ્છના આરોહી લોજીસ્ટિક ટ્રાન્સપોર્ટમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા કરનારામ ધરમારામ સાંઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓ આરજે-૧૨-સીટી-૧૧૬૭ નંબરનું ટાટા કંપનીની ટ્રેઇલર લઈને ૨૩ જૂન, ૨૦૨૫ના રોજ સરતાનપર રોડ ઉપર ઓસો સેનેટરીના કારખાનામાંથી માલ લોડ કરીને મુન્દ્રા પોર્ટ જવા નીકળ્યા હતા. ત્યારે મકનસર ગામની સીમમાં હાઈવે પર ટ્રેઇલર પાર્ક કરી તે ટ્રેઇલરમાં સુઇ ગયા હતા. રાત્રે આશરે ૪ વાગે અવાજ આવતાં જાગ્યા ત્યારે ટ્રેઇલરની ડીઝલની ટાંકી પાસે ચાર અજાણ્યા ઇસમો કાળી બલેનો કાર સાથે હાજર હતા અને પાઇપ વડે કેરબાઓમાં ડીઝલ ભરતા હતા. કારચાલકે બુમ પાડતાં તુરંત અજાણ્યા ઈસમો કેરબાઓ લઈને નાસી છૂટયા હતા. ત્યારે ડીઝલ ટાંકીમાંથી આશરે ૨૦૦ લીટર ડીઝલ ચોરી કરી લઈ ગયા હતા.
આ સાથે ટ્રકના ચાલકો તથા ટ્રાન્સપોર્ટના ગ્રુપમાંથી જાણવા મળ્યું હતું કે, ૬ જૂનના રોજ પીપળી નજીક ન્યુ તકદીર ટ્રાન્સપોર્ટ સામે દેવસંગભાઇ લીબડના જીજે-૧૩-ડબલ્યુ-૨૨૮૦ નંબરના ટેમ્પોમાંથી પણ આવી જ રીતે કાળી બલેનો કારમાં આવેલ ચાર શખ્સોએ ૧૩૦ લીટર ડીઝલ ચોરી થઈ હતી, જેથી આ માટેની ફરિયાદ પણ સાથે લખાવી હતી. આ સાથે ફરિયાદી કરનારામ સાંઈએ ચોરીના બંને બનાવમાં કાળી બલેનો કારમાં આવેલા અજાણ્યા ચાર ચોરો દ્વારા કુલ ૩૩૦ લીટર ડીઝલ કિ.રૂ. ૨૯,૭૦૦/-ની ચોરી કર્યા હોવાની ફરિયાદ નોંધાવતા, તાલુકા પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને અજાણ્યા ઇસમોની શોધખોળ શરૂ કરી છે.