મોરબી શહેરમાં મહેન્દ્રનગર ચોકડી નજીક ડમ્પરની ઠોકરે મોપેડ ચાલક પ્રૌઢનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું હોવાની ઘટના મામલે મૃતકના પુત્રની ફરિયાદને આધારે બી ડિવિઝન પોલીસે આરોપી ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગત અનુસાર, મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સર્કિટ હાઉસ રોડ ઉપર શિવમ પાર્કમાં રહેતા જગદીશભાઈ ગોરધનભાઇ પાટડીયા ઉવ.૫૦ ગત તા.૦૯/૧૨ ના રોજ સવારે પોતાના ઘરેથી ટીવીએસ જયુપીટર રજી.નં. જીજે-૩૬-એએસ-૦૯૩૬ લઈને ઘુંટુ રોડ ઉપર આવેલ પોતાના ઈટોના ભઠ્ઠે જઈ રહ્યા હતા ત્યારે મહેન્દ્રનગર ચોકડી બ્રિજ પાસે વળાંકમાં એક ડમ્પર રજી.નં. જીજે-૩૬-વી-૫૧૪૯ ના ચાલકે પોતાનું વાહન ફૂલ સ્પીડમાં ચલાવી આવી જયુપીટરને સાઈડમાંથી હડફેટે લેતા, જયુપીટર ચાલક જગદીશભાઈ ત્યાંજ પડી જતા, તેમના શરીર ઉપરથી ડમ્પરનું આગળનું તોતિંગ વ્હીલ ફરી વળ્યું હતું. જેથી શરીરે ગંભીર ઇજાઓ પહોચતા, જગદીશભાઈનું સ્થળ ઉપર જ મૃત્યુ નીપજ્યું હતું. જેથી તેમની ડેડબોડી મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અકસ્માત સર્જી ડમ્પર ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર રેઢું મૂકીને નાસી ગયો હતો. ત્યારે તેમના દીકરા હિતેશભાઈ જગદીશભાઈ પાટડીયા ઉવ.૨૦ વાળાએ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી ડામોર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.









