મોરબીમાં હાલ અસામાજિક તત્વોએ ફરી માથું ઊંચક્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં વીસીપરા મેઈન રોડ ઉપર આવેલ કિરાણા સ્ટોરના વેપારીએ ઉધારમાં માવા આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા માથાભારે શખ્સે અન્ય એક શખ્સને વેપારીની દુકાને બોલાવી લાવી છરીના ઘા ઝીકી વેપારીને ઇજાગ્રસ્ત કર્યા હતા, સાથે દુકાને આવેલ અન્ય ગ્રાહક કે જે વેપારીને છોડાવવા વચ્ચે પડેલ તેને પણ ધોકા વડે માર મારવામાં આવ્યો હતો. ત્યારે ઇજાગ્રસ્ત વેપારીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી તેઓએ બંને માથાભારે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીના વીસીપરા સીટી ડીસ્પેન્સરી પાસે રહેતા વિનોદભાઇ મનુભાઇ કાતરોડીયા ઉવ.૪૦ ની વીસીપરા મેઈન રોડ ઉપર ગર્લ્સ હાઈસ્કૂલ સામે શક્તિ કિરાણા સ્ટોર નામની દુકાન આવેલી છે જે દુકાનમાં ગત તા. ૨૩/૦૮ના રોજ આરોપી ગનીભાઇ સલીમભાઇ માણેક ઉવ.૨૪ રહે. વીસીપરાવાળો આવ્યો હતો અને ઉઘારમાં માવા માંગતા વિનોદભાઈએ ઉધાર આપવાની ના પાડતા આરોપી ગનીભાઈએ બોલાચાલી અને ઝપાઝપી કરી ઝઘડો તકરાર કરી ત્યાંથી જતો રહ્યા બાદ આરોપી ગનીભાઈ બીજા એક આરોપી અભરામ સલીમભાઇ માણેક ઉવ.૨૮ રહે.દલવાડી સર્કલવાળાને બોલાવી લાવતા બંને આરોપીઓ મોટર સાયકલ ઉપર ઉપરોક્ત દુકાને આવી વિનોદભાઈને કહેવા લાગેલ ‘કે તુ માવા કેમ નથી આપતો’ તેમ કહી ગાળો બોલવા લાગેલ જેથી વિનોદભાઈએ ગાળો બોલવાની ના પાડતા આરોપી અભરામભાઈએ ઉશ્કેરાઇ છરી વડે વિનોદભાઈને પીઠ તથા સાથળના ભાગે ઇજા કરેલ અને ત્યારે છોડાવવા વચ્ચે પડરલ હસમુખભાઇને આરોપી ગનીભાઈએ ધોકા વડે માર મારી ઇજા કરતા વિનોદભાઈએ બંને આરોપીઓ સામે બી ડિવિઝન પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે બંને આરોપીની અટકાયત સહિતની આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.