મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં પરિણીતાએ પોતાના પતિ, સાસુ તથા સસરા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ વારંવાર નાની નાની બાબતોમાં ઝઘડો કરી મારકૂટ કરવામાં આવતી હતી તેમજ ગાળો આપીને માનસિક-શારીરિક ત્રાસ અપાતો હતો. હાલ મહિલા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
મોરબીના જૂની પીપળી ગામે માનસધામ સોસાયટી માં રહેતા અને જામનગર જીલ્લાના કાલાવાડમાં સાસરું ધરાવતા શિતલબેન કૌશિકભાઇ મેનપરા ઉવ.૩૯ એ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે, તેમના પતિ કૌશિકભાઇ રમેશભાઇ મેનપરા, સસરા રમેશભાઇ મેધજીભાઇ મેનપરા અને સાસુ અનસોયાબેન રમેશભાઇ મેનપરા રહે. નિકાવા તા. કાલાવડ જી. જામનગર વાળા દ્વારા અવારનવાર નાની નાની બાબતોમાં ઝઘડો કરીને મારકૂટ કરવામાં આવતી હતી. પતિ વારંવાર મારકૂટ કરતો, પરિવારજનો એકબીજાને ચડામણી કરીને શારીરિક તથા માનસિક ત્રાસ આપતા હતા. ગાળો આપવી, હેરાન કરવી અને મેણાટોણા મારવા જેવી ઘટનાઓ નિયમિત બનતી હતી. હાલ મહિલા પોલીસે પતિ, સાસુ અને સસરા સામે ભારતીય ન્યાય સંહિતા કલમ હેઠળ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.