સાસુને ત્યાં ઉલીયા બનાવવા મદદ કરવા ભોગ બનનારનો દીકરો જતો હોય જે જમાઈને ન ગમ્યું
મોરબીના પંચાસર ચોકડી નજીક મહાવીરનગરમાં ગત ૨૨/૧૨ના રોજ સામાન્ય બાબતે આધેડના રહેણાંક મકાન પાસે આવી તેમની સાથે બોલાચાલી કરી સાથળમાં છરીનો એક ઘા મારી આધેડને ઇજાગ્રસ્ત કર્યા હતા. હાલ ભોગ બનનાર દ્વારા અત્રેના એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર મોરબી કામધેનુ પાછળ આવેલ મહાવીરનગર વિસ્તારમાં રહેતા બાબુભાઇ ભગવાનજીભાઈ પરમાર ઉવ.૪૫ એ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી લાલજીભાઈ શાંતિભાઈ પરમાર રહે.વજેપર શેરી નં.૧૧ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં ફરિયાદી બાબુભાઈનો ૧૬ વર્ષીય દીકરો પડોશમાં રહેતા મહિલાને ઉલીયા બનાવવામાં મદદ કરતો હોય જે બાબત આરોપી લાલજીભાઈ કે જેઓ ઉપરોક્ત મહિલાના જમાઈ થતા હોય તેને ગમતું ન હોય જેથી આરોપીએ ગત તા. ૨૨/૧૨ ના રોજ રાત્રીના ફરિયાદી બાબુભાઇના ઘરે આવી બોલાચાલી કરી છરીથી હમલો કર્યો હતો, જેમાં બાબુભાઈને સાથળમાં છરીનો એક ઘા મારી દીધો હતો, ત્યારે પરિવારજનો દ્વારા ઇજાગ્રસ્ત હાલતમાં બાબુભાઈને સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. હાલ બાબુભાઈની ફરિયાદને આધારે પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.