મોરબી તાલુકાના જાંબુડીયા ગામ પાસે ઈટાકા કારખાનાની લેબર કોલોનીમાં રહેતી ગર્ભવતી મહિલાને તીવ્ર પેટદર્દ થતાં સારવાર દરમિયાન અધૂરા મહિને નવજાત શિશુનો જન્મ થયો હતો. વધુ સારવાર માટે સરકારી દવાખાને ખસેડાતા, સારવાર દરમિયાન શિશુનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકે અ.મોતની નોંધ કરી છે.
મોરબી તાલુકાના જાંબુડીયા ગામ પાસે આવેલા ઈટાકા કારખાનાની લેબર કોલોનીમાં રહેતા મહેકબેન રાજુભાઈ મલેક મૂળરહે. રાણાવાવ જી. પોરબંદરને ગત તા.૨ જૂન ૨૦૨૫ના રોજ તીવ્ર પેટમાં દુખાવો ઉપડ્યો હતો. પ્રાથમિક સારવાર માટે તેમને પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં સારવાર દરમિયાન અધૂરા મહિને નોર્મલ ડિલિવરી થતા તેઓએ નવજાત પુત્રને જન્મ આપ્યો હતો.
નવજાત શિશુની તબિયત નાજુક હોવાથી તેને તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ચાલુ સારવાર દરમિયાન નવજાત બાળકનું મૃત્યુ થયું હતું. ત્યારે ફરજ પર હાજર ડોક્ટરે પોલીસને જાણ કરતા, પોલીસે મૃત્યુના બનાવ અંગે પ્રાથમિક વિગતો મેળવી અ.મોત રજીસ્ટર કરી, તપાસની તજવીજ હાથ ધરી છે.