મોરબીમાં માર્ગ અકસ્માતના બનાવમાં બેફામ ગતિએ અને બેદરકારી રીતે ચાલતા ડમ્પરે વધુ એક આશાસ્પદ યુવકનો જીવનદીપ બુઝાવ્યો છે, અનેકો વખત રજુઆત કરવા છતાં, માતેલા સાંઢની જેમ ચાલતા ડમ્પર બાબતે તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં ન આવી રહ્યા હોવાથી વધુ એક માનવ જિંદગીનો ભોગ લેવાયો છે, હાલ મોરબીના ઘુટુ રોડ ઉપર આઈટીઆઈ કોલેજ સામે રોંગ સાઈડમાં પુરપાટ ગતિએ આવતા ડમ્પરે બાઇક સવાર બે પિતરાઈ ભાઈઓને હડફેટે લીધા હતા, જે અકસ્માતમાં બાઇક ચાલક ૨૦ વર્ષીય યુવકના માથા અને હાથ ઉપરથી ઉપરોક્ત ડમ્પર ફરી વળતા યુવકનું સ્થળ ઉપર કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે બાઇક પાછળ બેઠેલ યુવકને શરીરે સામાન્ય ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જી ડમ્પર ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર રેઢું મૂકીને નાસી ગયો હતો.
અકસ્માતમાં મૃત્યુ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી નવલખી રોડ ધુતારી વિસ્તારમાં રહેતા અને પ્લમ્બરનું કામ કરતા કિશોરભાઈ અમરશીભાઈ અગેચણીયાનો પુત્ર વિશાલભાઈ ઉવ.૨૦ ગઈકાલ તા.૨૦/૦૪ના રોજ પિતરાઇ ભાઈ સાથે મોટર સાયકલ રજી.નં. જીજે-૩૬-એઈ-૧૦૪૧ લઈને જતો હોય ત્યારે આઈટીઆઈ કોલેજ ઘુટુ ગામ તરફ રોડ ઉપર જવાના રોડ ઉપર રોડ ઉપર આગળ જઈ રહેલા ટ્રકનો ઓવરટેક કરી રહ્યા હોય ત્યારે સામેથી રોંગ સાઈડમાં આવતા ડમ્પર રજી.નં. જીજે-૩૬-વી-૫૦૫૧ ના ચાલકે પોતાનું વાહન ફૂલ સ્પીડમાં તથા ગફલતભરી રીતે ચલાવી બાઇકને જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો, જે અકસ્માતમાં બાઇક ચાલક વિશાલભાઈને માથાના ભાગે અને હાથ ઉપર ગંભીર ઇજાઓ થઈ જે ભાગ છૂંદાઈ જતા, તેનું સ્થળ ઉપર મોત નીપજ્યું હતું, જ્યારે પાછળ બેઠેલ પિતરાઈ ભાઈને શરીરે છોડછાલ જેવી સામાન્ય ઇજાઓ પહોંચી હતી, અકસ્માત બાદ ડમ્પર ચાલક પોતાનું વાહન મૂકીને નાસી ગયો હતો, સમગ્ર અકસ્માતના બનાવ મામલે બી ડિવિઝન પોલીસે મૃતક વિશાલભાઈના પિતાની ફરિયાદને આધારે આરોપી ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.