વિદેશી દારૂની નાની-મોટી ૨૦૦ બોટલ તથા બિયરના ૯૬ ટીન કબ્જે કરતી બી ડિવિઝન પોલીસ
મોરબીમાં હાલ દિવાળીના તહેવાર નિમિતે પ્યાસીઓની પ્યાસ બુઝાવવા બુટલેગરો દ્વારા દારૂની રેલમછેલ કરતા હોય ત્યારે મોરબી પોલીસ દ્વારા આવા ઈસમો ઉપર રીતસરની તવાઈ બોલાવી છે, જેમાં સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા પૂર્વ બાતમીને આધારે વીસીપરા વિસ્તારમાં અમરેલી રોડ ઉપર અગેચાણીયા વાડી વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનની સામે દરોડો પાડી બાવળની કાંટમાં છુપાવેલા વિદેશી દારૂ-બિયરનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. જો કે દરોડા દરમિયાન આરોપી હાજર મળી આવેલ ન હોય જેથી તેને ફરાર દર્શાવી આગળની તપાસ ચલાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમને ખાનગીરાહે બાતમી મળેલ કે વીસીપરા વિસ્તારમાં અમરેલી રોડ ઉપર અગેચાણીયાની વાડી વિસ્તારમાં રહેતો રોહિત ઉર્ફે બલ્લુ અગેચાણીયા પોતાના રહેણાંકની સામે બાવળની કાંટમાં ઈંગ્લીશ દારૂ-બિયરનો જથ્થો રાખી તેનું વેચાણ કરતો હોય અને હાલમાં પણ આ ગેરકાયદેસરની પ્રવૃત્તિ ચાલતી હોવાની પ્રખર બાતમીને આધારે ઉપરોક્ત સ્થળે બી ડિવિઝન પોલીસ ટીમે દરોડો પાડતા બાવળની ઝાળીઓમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી ૨૦૦ બોટલ તથા બિયરના ૯૬ ટીન કિ.રૂ.૮૬,૩૬૦/-નો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો હતો, જ્યારે આરોપી રોહિત ઉર્ફે બલ્લુ બાબુભાઇ અગેચાણીયા પોલીસના દરોડા દરમિયાન હાજર મળી ન આવતા તેને ફરાર દર્શાવી તેની વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.