સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજનાના ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ મોરબી દ્વારા વિવિધ તાલીમ અપાઈ
મોરબી જીલ્લાની સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજનાના વિદ્યાર્થીઓને સમર કેમ્પમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ મોરબી દ્વારા આપત્તિ વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મોરબી જીલ્લાની સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજનામાં એસ.પી.સી.ના જુનિયર તથા સિનિયર કેડેટના ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓ માટે મકનસર ખાતેના પોલીસ હેડ ક્વાર્ટરમાં આયોજીત સમર કેમ્પમાં વિદ્યાર્થીઓને વિવિધ વિષયો પર તાલીમ આપવામાં આવી રહી છે. ત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવતી તમામ પ્રવૃત્તિની માહિતી અને આપત્તિના સમયે શું કરવું અને શું ન કરવું તે અંગેની તાલીમ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના કન્સલ્ટન્ટ ડો. ધાર્મિક પુરોહિત દ્વારા આપવામાં આવી હતી, ઉપરાંત વિદ્યાર્થીઓને ‘આપદા મિત્ર’ ની કામગીરી અંગે પણ માહિતી આપી ‘આપદા મિત્ર’ ના કન્સેપ્ટથી વાકેફ કરવામાં આવ્યા હતા.
108 ની કામગીરી અને તેનો ઉપયોગ, આગ લાગે ત્યારે કેવી રીતે બચાવ કામગીરી કરવી અને આ સમયગાળા દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, આગ લાગે ત્યારે ફાયર એસ્ટીન્ગ્યુશરનો ઉપયોગ કેવી રીતે કરવો તેની વિશેષ જાણકારી મોરબી ફાયર અને ઈમરજન્સી સર્વિસના જયેશભાઈએ આ સેમિનાર દરમિયાન આપી હતી.
આ સેમિનારમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ મોરબીના ડીપીઓ કોમલ મહેરા, પોલીસ, ફાયર સહિતના વિભાગના કર્મચારીઓ અને સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજનાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.