સંભવીત ત્રીજી લહેરમાં બાળકોને સુરક્ષીત રાખવા માટે ગ્રામ્ય લેવલની કુલ ૩૫૫ સમિતિઓ બનાવામાં આવી
કોરોના જતો રહ્યો તેમ સમજીને આપણે જવાબદારી માંથી મુક્ત ન થવું જોઇએ : જાગૃતિબેન પંડ્યા, બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્સન
ગુજરાત રાજય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્સન જાગૃતિબેન હરેન પંડ્યાના અધ્યક્ષ સ્થાને કોરોનાની ત્રીજી લહેરથી બાળકોને કઇ રીતે સુરક્ષીત રાખી શકાય તે વિષયને ધ્યાને લઇને કલેકટર કચેરીના સભાખંડમાં ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ગુજરાત રાજય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્સન જાગૃતિબેન હરેન પંડ્યાએ જણાવ્યું હતુ કે, નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે આવનારી કોરોનાની સંભવિત ત્રીજી લહેર બાળકોને વધારે અસર કરશે. આપણે કોરોના જતો રહ્યો તેમ સમજીને આપણે આપણી જવાબદારી માંથી મુક્ત ન થવુ જોઇએ વધુમાં જાગૃતીબેન પંડ્યાએ બાળકોને લગતી દરેક સમિતિમાં પદાધિકારીઓએ જોડાઈ તમામ યોજનાની માહિતી ગામના દરેક ખુણે પહોંચે તેવા આયોજન પર ભાર મુક્યો હતો.
બાળ આયોગના પ્રોગામ ઓફીસર શતાબ્દીબેન પાન્ડેએ જણાવ્યું હતુ, કે સંભવિત કોરોનાની ત્રીજી લહેર બાબતે જે આયુષ વિભાગની ગાઇડલાઇન અનુસાર સંભવીત ત્રીજી લહેરમાં બાળકોને સુરક્ષીત રાખવા માટે ગ્રામ્ય લેવલની કુલ ૩૫૫ સમિતિઓ બનાવામાં આવી છે. જિલ્લા પંચયાતના પ્રમુખ ચંદુભાઇએ ઘરના દરેક સભ્યએ સ્વચ્છતા રાખવી, હાથ સેનેટાઇઝર કરવા, સોશ્યલ ડિસ્ટન્ટ રાખવા અનુરોધ કર્યો હતો જેથી ઘરમાં બાળકો પણ તે રીતે તેનું અનુકરણ કરે. બેઠક દરમ્યાન મારુ ગામ કોરોના મુક્ત અને મારા ગામનું બાળક કોરોના મુક્ત બાળકના શપથ લેવામાં આવ્યા હતા.
આ બેઠકમાં જિલ્લા કલેકટર જે.બી. પટેલ, નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, અગ્રણી જિજ્ઞેશભાઇ કૈલા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અનિલાબેન પીપળીયા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડો. વિપુલ શેરસીયા, બાળ કલ્યાણ સમિતિના ચેરમેન રાજુભાઇ બદ્રકીયા, જિલ્લા તેમજ તાલુકાના બાળકોને લગતી સમિતિના ચેરપર્સન તેમજ વિવિધ સમિતિઓના સભ્યો હાજર રહ્યા હતા.