મોરબીમાં ફરી રીક્ષામાં લૂટ ચલાવતી ગેંગ સક્રિય થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે, જેમાં રીક્ષામાં બેઠેલ ખેડૂતનું ઉલ્ટીના બહાને ધ્યાન ચૂકવી ખેડૂતના પેન્ટમાંથી પાકની ઉપજના રોકડા રૂ.૫૦ હાજર સેરવી લેતા ખેડૂત દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં રીક્ષા ચાલક તથા મુસાફરના સ્વાંગમાં સાથે બેસેલા અજાણ્યા બે પુરુષ તથા એક મહિલા સહિત ચાર આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુરા જીલ્લાના વતની હાલ મોરબી તાલુકાના કૃષ્ણનગર ગામે રાજેશભાઇ જેઠાભાઇ કાનગડની વાડીએ રહેતા ગણપતભાઇ હજારીયા ઉવ.૫૦ ગત તા.૨૪/૦૬ ના રોજ સવારના ૧૧:૩૦ વાગ્યે મોરબી માર્કેટિંગ યાર્ડમાં જીરૂ વેચી રોડ ઉપર ઉભા હોય તે દરમ્યાન સી.એન.જી રીક્ષા આવી હતી જે રીક્ષામાં પેસેન્જર તરીકે બે પુરુષ અને એક મહિલા બેઠી હોય ત્યારે ગણપતભાઈ તે રીક્ષામાં બેઠા હતા. ત્યારે રીક્ષા માર્કેટિંગ યાર્દથી આગળ ચાલી હોય ત્યાં જીઆઇડીસી પાસે સાથે બેસેલ મહિલાને ઉલ્ટી થાય છે તેમ બહાનું કર્યું હતું તે અરસામાં ગણપતભાઇની નઝર ચુકવી પેન્ટના ખીસ્સામાથી રોકડ રૂ.૫૦,૦૦૦ ની ચોરી કરી લીધી હતી. હાલ ગણપતભાઈએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં સીએનજી રીક્ષા ચાલક તથા તેમની સાથે મુસાફરના સ્વાંગમાં બેસેલા અજાણ્યા બે પુરુષ તથા એક મહિલા સહિતના ચારેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી લુટારુ રીક્ષા ગેંગને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.