મોરબીના એક યુવકને ઓનલાઇન ટાસ્ક પુરા કરી વધુ આર્થિક ફાયદા આપવાની લાલચે અજાણ્યા આરોપીઓએ ટેલીગ્રામ એપ દ્વારા ૨૭.૫૭ લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી. યુવકે અલગ-અલગ બેંક એકાઉન્ટમાં રકમ જમા કરી હતી, પરંતુ નાણા પરત ન મળતા પાંચ જેટલા આરોપીઓ સામે ફરીયાદ નોંધાવી છે. હાલ સાયબર ક્રાઇમ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સહિંતા તથા આઈટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.
મોરબી શહેરમાં સાયબર ઠગાઈનો વધુ એક બનાવ સામે આવ્યો છે જેમાં ઓનલાઇન ટાસ્ક પૂરાં કરાવીને વધુ નફો આપવાની લાલચ આપી એક યુવક પાસેથી રૂ.૨૭,૫૭,૦૦૦/- ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા છે. જેમાં ફરીયાદી નીરવકુમાર નરેશભાઈ કુકરવાડીયા ઉવ.૩૦ રહે. ધર્મલાભ સોસાયટી દેવસત્ય પેલેસ મોરબી વાળાએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન મોરબી ખાતે આરોપી પ્રિયા નંદાકુમાર, પ્રોમિલા દેવી, દેવેન્દ્ર, સંજય કપૂર તથા અર્જુન પ્રસાદ વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ અનુસાર તારીખ ૨૪/૧૧/૨૦૨૫ થી તા.૨૮/૧૧/૨૦૨૫ દરમિયાન ઉપરોક્ત પાંચ વ્યક્તિઓએ અલગ-અલગ ટેલિગ્રામ પ્રોફાઈલ્સ મારફતે તેમને ટેલિગ્રામ ઉપર લોભામણા મેસેજ, ઓનલાઈન ટાસ્ક અને ઊંચા આર્થિક ફાયદાની લાલચ આપી ફરીયાદીનો ભરોસો જીત્યો હતો. ત્યારે આરોપીઓના કહેવા મુજબ ફરીયાદીએ એક એસબીઆઈ બેંક એકાઉન્ટ અને બે એચડીએફસી બેંક એકાઉન્ટમાં કુલ રૂ.૨૭,૫૭,૦૦૦/- ટ્રાન્સફર કરી રોકાણ કર્યું હતું. બાદમાં જ્યારે તેમણે રોકાણ કરેલ નાણા પરત માંગ્યા તો આરોપીઓએ કોઈ જવાબ આપ્યો નહીં અને રૂપિયા પરત કર્યા નહોતા. આથી ફરીયાદીને પોતે ઠગાઈનો ભોગ બન્યાની ખાતરી થતાં તેમણે મોરબી સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. હાલ સાયબર ઠગાઈ અંગે મોરબી સાયબર ક્રાઇમ પીઆઇ એન.એ.વસાવાએ તપાસ શરૂ કરી છે.









