મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં માળીયા ફાટક નજીક ટ્રક-કન્ટેઇનરની અડફેટે એકટીવા ચાલક યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. પુલની નીચેથી વળાંક લેતા સમયે બનેલા અકસ્માતમાં યુવતી રોડ પર પટકાઈ હતી અને ટ્રકનું વ્હીલ એકટીવા સહિત યુવતી ઉપર ફરી વળતા, તેણીને કમર તથા થાપાના ભાગે ફ્રેક્ચર જેવી ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ટ્રક ચાલક વાહન સ્થળ પર મૂકીને ફરાર થઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ, હળવદ-ઘુંટુ રોડ રામકો વિલેજ મકાન નં. ૦૧ મોરબી ખાતે રહેતા પૂજાબેન સુનિલભાઈ આચાર્ય ઉવ.૨૬ ગત તા.૦૩/૧૨/૨૦૨૫ ના રોજ સાંજના સમયે નોકરીએથી છુટ્ટીને એકટીવા રજી.નં. જીજે-૩૬-એડી-૧૦૪૪ લઈને ઘરે જતા હોય ત્યારે માળીયા ફાટક નજીક પુલની નીચેથી વળાંક લેતા સમયે એક ટ્રક-કન્ટેઇનર રજી.નં. જીજે-૧૨-બીએક્સ-૭૬૧૧ના ચાલકે પોતાનું વાહન ફૂલ સ્પીડમાં અને બેદરકારી રીતે ચલાવી એકટીવા મોપેડને અડફેટે લેતા પૂજાબેન એકટીવા સહિત રોડ ઉપર પટકાયા હતા, આ દરમિયાન પૂજાબેન એકટીવા સહિત તથા પૂજાબેન ટ્રકના વ્હીલ નીચે દબાઈ જતા તેઓને કમર તથા થાપાના ભાગે ફ્રેકચર જેવી ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જી ટ્રક ચાલક વાહન રેઢું મૂકીને નાસી ગયો હતો. હાલ ઇજાગ્રસ્ત યુવતીની ફરિયાદને આધારે બી ડિવિઝન પોલીસે આરોપી ટ્રક કન્ટેઇનર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









