મોરબી: તા. ૨૫ ઑક્ટોબરે વાજબી ભાવની દુકાન એસોસિએશન દ્વારા રજૂ થયેલી માંગણીઓ સંદર્ભે તા. ૧ નવેમ્બર ૨૦૨૫ના રોજ અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગમાં બેઠક યોજાઈ. કુલ ૨૦ માંગણીઓમાંથી ૧૧ મુદ્દા સ્વીકારીને સંબંધિત કચેરીઓને સૂચનાઓ પાઠવી હતી. દુકાનદારો દ્વારા ચલણ ભરવાની કાર્યવાહી પૂર્ણ થતાં નવેમ્બર માસથી અનાજ વિતરણ રાબેતા મુજબ શરૂ કરાયું છે.
વાજબી ભાવની દુકાન એસોસિએશન દ્વારા તા. ૨૫ ઑક્ટોબર ૨૦૨૫ના રોજ સરકાર સમક્ષ રજૂ કરાયેલ આવેદનપત્રના અનુસંધાને તા. ૧ નવેમ્બર ૨૦૨૫ના રોજ અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનાં વિભાગ ખાતે એસોસિએશનનાં પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન એસોસિએશન દ્વારા રજૂ કરાયેલ કુલ ૨૦ માંગણીઓમાંથી ૧૧ મુદ્દા પર વિભાગે હકારાત્મક અભિગમ દાખવ્યો હતો અને સંબંધિત જીલ્લા કચેરીઓ તથા પુરવઠા તંત્રને આ મુદ્દાઓના અમલ માટે લેખિતમાં સૂચના આપવામાં આવી છે. સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની NFSA યોજના તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ લાભાર્થીઓ અને સસ્તા અનાજ દુકાનદારોના હિતમાં અનેક સુધારાત્મક પગલાં લેવામાં આવી રહ્યા છે.
હાલમાં, નવેમ્બર માસના વિતરણ માટે રાજ્યભરના મોટાભાગના વાજબી ભાવના દુકાનદારો ચલણ ભરવાની કામગીરી પૂર્ણ કરી ચૂક્યા છે. જાહેરહિતને ધ્યાનમાં રાખીને અને હાલની વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને NFSA હેઠળ નોંધાયેલા ૩.૫ કરોડથી વધુ લાભાર્થીઓના હિતમાં, બાકી રહેલા દુકાનદારોને પણ તાત્કાલિક ચલણ ભરવાની અને વિતરણ શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, સુરત, આણંદ, વડોદરા, રાજકોટ સહિતના જીલ્લાઓમાં દુકાનદારો દ્વારા હકારાત્મક પ્રતિસાદ આપતા વધારાના ચલણ જનરેટ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રાજકોટ જીલ્લાના જામકંડોરણા સહિતના વિસ્તારોમાં વિતરણની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે. વિભાગના જણાવ્યા મુજબ, આવતીકાલથી ઘઉં અને ચોખાનું વિતરણ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે, જેથી લાભાર્થીઓને સમયસર અનાજ મળી રહે અને કોઈ વિક્ષેપ ન થાય.


                                    






