મોરબી શહેર અને જિલ્લામાં વરસાદથી ઠેર-ઠેર રસ્તાનું ધોવાણ થયું હોવાનું સામે આવ્યું છે. જેના કારણે લોકો હવે રસ્તા પર ઉતરી વિરોધ કરી રહ્યા છે. ત્યારે લોકોની સમસ્યાને લઇ મોરબી તંત્ર સફાલ્યું જાગ્યું છે અને મોબાઇલ નંબર જાહેર કર્યો છે. જો કે, નેતાઓ આ મામલે હજુ ઘોર નિંદ્રામાં હોય તેવું જ લાગી રહ્યું છે.
છેલ્લા બે દિવસથી લોકો અનેક મુદ્દાઓને લઇ વિવિધ વિસ્તારોમાં ચક્કાજામ કરી રહ્યા છે. મતનો વરસાદ કરી દેનારા મોરબીના લોકોને પ્રાથમિક સુવિધાઓ મેળવવા રોડ પર ઉતરવું પડી રહ્યું છે. ત્યારે હવે તંત્ર આ મામલે હરકતમાં આવ્યું છે. અને મોરબી કલેક્ટર કે. બી.ઝવેરી, મનપા કમિશનર સ્વપ્નિલ ખરે, ડેપ્યુટી કમિશ્નર સંજય સોની અને ડેપ્યુટી કમિશ્નર કુલદીપસિંહ વાળાની બેઠક યોજાઈ હતી. જેમાં મોરબીની જનતા માટે અમુક નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણયમાં મોરબીના વિવિધ વિસ્તારોમાં અલગ-અલગ કર્મચારીની નિમણૂક કરવામાં આવી છે અને મોબાઇલ નંબર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં જે તે વિસ્તારના લોકો હવે સીધા તે કર્મચારીને ફોન કરશે એટલે તેઓની સમસ્યા કમિશનર સુધી પહોંચી જશે. તેમજ કલેક્ટર કે.બી ઝવેરી આ મામલે લોકોને અપીલ કરી છે કે હવે કોઈ પણ સમસ્યા હોય તો આપેલ નંબર પર ફોન કરો નહીંતર મને ફોન કરશો તો પણ તમારી સમસ્યા દૂર કરવા પ્રયત્નો શરૂ કરી દેવામાં આવશે