મોરબી:હવામાન ખાતાના પૂર્વાનુમાન અનુસાર તા.૨૭ અને ૨૮ ડિસેમ્બર ૨૦૨૪ એમ બે દિવસ ગુજરાતના જીલ્લાઓ જેવા કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, જામનગર, પોરબંદર, મોરબી, દેવભૂમિ દ્વારકા, કચ્છ, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી જીલ્લાઓમાં હળવા વરસાદની આગાહી થયેલ છે.
ત્યારે વરસાદને અનુલક્ષીને ખેડૂતો પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે, તેમ છતાં તકેદારીનાં પગલા લેવા રાજ્યના ખેડુતોને ખેતીવાડી વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે વિશેષ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
જેમાં કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. તેમજ જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો, ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા.
આ સિવાય એ.પી.એમ.સી.માં વેપારી અને ખેડુત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવે છે. જેમાં એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા, એ.પી.એમ.સી.માં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા તેમ યાદીમાં જણાવવામાં આવ્યું છે.