બાળલગ્ન એ બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ હેઠળ સજાપાત્ર ગુનો છે, થઈ શકે છે રૂ. ૧ લાખ સુધીનો દંડ અને ૨ વર્ષ સુધીની કેદ
મોરબી:અક્ષય તૃતીયા (અખાત્રીજ) એટલે લગ્ન માટે શ્રેષ્ટ મુહર્ત માનવામા આવે છે. જે દિવસે રાજ્યમાં વિવિધ સમાજોમાં અનેક લગ્ન યોજાતા હોય છે, પરંતુ કેટલાક કિસ્સામાં બાળલગ્નો પણ થાય છે. ત્યારે તેને અટકાવવાના આશયથી બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ મોરબી જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. બાળલગ્નો ન થાય તે માટે સમૂહ લગ્નોના આયોજકો, સામાજિક આગેવાનો, ગોર મહારાજ, લગ્ન કરાવનાર, રસોઈયા, મંડપ ડેકોરેશન, ફોટોગ્રાફર તથા લગ્ન કરાવનાર વર અને કન્યા પક્ષના બન્ને પરિવારોને અનુરોધ કરાયો છે. તે બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ મુજબ દીકરીના લગ્ન ૧૮ વર્ષ પહેલા અને દીકરાના લગ્ન ૨૧ વર્ષ પહેલા થાય એ સજાપાત્ર ગુનો છે અને સામાજિક દુષણ પણ છે. બાળલગ્નના કારણે દીકરા-દીકરીઓના આરોગ્ય પર ઘણી જ વિપરીત અસર થાય છે તેથી આપના વિસ્તારમાં/ આપના ગામમાં કે આપના મહોલ્લામાં બાળલગ્ન ન થાય તેની તકેદારી રાખવી જોઈએ.
બાળલગ્ન માટે બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ મુજબ રૂ. ૧ લાખ સુધીનો દંડ અને ૨ વર્ષ સુધીની કેદ થઈ શકે છે. જેથી જો બાળલગ્ન થતાં જોવા મળે તો આપની સામાજિક જવાબદારી સમજી આવા બાળલગ્ન અટકાવવા માટે સમાજ સેવાના ભાગરૂપે બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, મોરબી (૦૨૮૨૨ ૨૪૨૫૩૩), જીલ્લા બાળ સુરક્ષા એકમ મોરબી (૦૨૮૨૨ ૨૪૦૦૯૮) અથવા ચાઇલ્ડ લાઇન (૧૦૯૮) પોલીસ (૧૦૦), મહિલા અભયમ ૧૮૧ સહિતના હેલ્પલાઇન નંબરો પર જાણ કરવા અપીલ કરાઇ છે. અક્ષય તૃતીયા (અખાત્રીજ) એટલે લગ્ન માટે શ્રેષ્ટ મુહર્ત માનવમાં આવે છે ત્યારે આ દિવસે અનેક લગ્નો તેમજ સમુહલગ્નો યોજાતા હોય છે. જેથી આ દિવસે કોઈ બાળલગ્નો ન કરે તેમજ થતાં હોય તો તેને અટકાવવા અંગે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નંબરો પર જાણ કરવા જીલ્લા બાળ સુરક્ષા એકમ મોરબીની યાદીમાં જણાવાયું છે.