પૂર્વ આમ આદમી પાર્ટીના જીલ્લા ઉપપ્રમુખ ઉપર ફેક ફેસબુક આઈડી બનાવી જાતિવાદી ટિપ્પણીઓ કરવા અંગે ગુનો નોંધાયો.
મોરબીમાં ફેસબુક પર ફેક આઈડી બનાવી આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર યુવક તથા તેની જ્ઞાતિ અંગે અપમાનજનક અને અભદ્ર ટિપ્પણીઓ કર્યાનો ગંભીર મામલો સામે આવ્યો છે. જેમાં આમ આદમી પાર્ટીના જ પૂર્વ જીલ્લા ઉપપ્રમુખ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવતા સીટી એ ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ આઇટી એક્ટ તથા એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી શહેરમાં સોશિયલ મીડિયાના દુરુપયોગનો એક ગંભીર અને ચર્ચાસ્પદ બનાવ સામે આવ્યો છે. જેમાં વણકરવાસ જેલ રોડ વિસ્તારમાં રહેતા અને આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર ભગવાનજીભાઈ બાબુભાઈ સાવરીયા ઉવ.૩૦ એ આરોપી ચંદ્રકાંતભાઈ માવજીભાઈ વિરમગામા રહે. અવની ચોકડી ૧૦૧-શિવપેલેસ એપાર્ટમેન્ટ મોરબી વાળા વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદ મુજબ, ગત તા. ૨૫/૦૧/૨૦૨૬ના વહેલી સવારના ફરિયાદી ભગવનજીભાઈના મિત્ર કિશનભાઈ રમેશભાઈ જોટંગીયાની ફેસબુક આઈડી પર “Gopal patel” નામની ફેસબુક આઈડી પરથી તેમના તેમજ તેમની જ્ઞાતિ અંગે ગાળો અને અપમાનજનક, જાતિવાદી ટિપ્પણીઓ પોસ્ટ કરવામાં આવી હતી. બાદમાં આ આઇડીની તપાસ કરતાં જાણવા મળ્યું કે “Gopal patel” નામની આ ફેસબુક આઈડી ફેક હોવાનું અને તેનો ઉપયોગ ઉપરોક્ત આરોપી ચંદ્રકાંત માવજીભાઈ વિરમગામા (પૂર્વ આમ આદમી પાર્ટી જીલ્લા ઉપપ્રમુખ) દ્વારા કરતા હોય. આરોપીએ જાણી જોઈને સોશિયલ મીડિયા મારફતે જાહેરમાં ફરિયાદીને તથા તેમની જ્ઞાતિને અપમાનિત કરેલ છે. વધુમાં ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપીએ ઉપરોક્ત ડમી ફેસબુક આઇડી મારફત અન્ય આમ આદમી પાર્ટીના કાર્યકરો અને પદાધિકારીઓને પણ અભદ્ર ભાષામાં ગાળો આપી અપમાનિત કરવામાં આવ્યા છે. ત્યારે સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ વિવિધ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.









