મોરબી શહેરના ભક્તિનગર સર્કલ નજીક ઓવરબ્રિઝના છેડે ટ્રક-કન્ટેઇનરના ચાલકે પોતાનું વાહન બેદરકારીપૂર્વક ફૂલ સ્પીડમાં ચલાવતા, જ્યાં રોડ ક્રોસ કરવા ઉભેલ ૬૮ વર્ષીય વૃદ્ધને હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં વૃદ્ધને માથામાં ગંભીર ઇજાઓ પહોચતા તેમનું સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યું હતું.
મોરબીના રવાપર રોડ બોનીપાર્ક ખાતે ૬૦૩ શિવાલય હાઈટ્સમાં રહેતા મૂળ મોરબી તાલુકાના કેશવનગર જીવાપર(ચકમપર)ના વતની જસમતભાઈ કેશવજીભાઈ કાલરીયા ઉવ.૬૮ ગઈકાલ તા.૧૬/૦૯ના રોજ સવારે શકત શનાળા મંદિરે જવા પોતાના ઘરેથી ચાલીને નીકળ્યા હતા, ત્યારે ભક્તિનગર સર્કલથી આગળ ઓવરબ્રિઝના છેડે રોડ ક્રોસ કરવા માટે ઉભા હોય તે દરમિયાન નવલખી ચોકડી બાજુથી ટ્રક કન્ટેઇનર રજી.નં. જીજે-૧૨-એવાય-૯૭૪૧ ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે ચલાવી જસમતભાઈને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં તેઓને માથામાં ગંભીર ઇજા પહોચતા, તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી ટ્રક કન્ટેઇનર ચાલક પોતાનું વાહન રેઢું મૂકીને નાસી ગયો હતો. હાલ સમગ્ર અકસ્માતની ઘટના મામલે મૃતકના પુત્ર દિલીપકુમાર જસમતભાઈ કાલરીયા દ્વારા સૂતી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી ટ્રક કન્ટેઇનર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે