પેઢીમાં ઓફીસબોય તરીકે કામ કરતા કર્મચારીએ પેઢીની બેંક સીસી, ખોટી સાઈનવાળા ચેક, માલ વેચાણના રૂપિયા મળી કુલ ૧.૬૩ કરોડ ઓળવી ગયો.
મોરબી શહેરમાં છેતરપિંડીનો વધુ એક ચોંકવનારો કિસ્સો સામે આવ્યો છે. હમણાં થોડા સમય પહેલા તનીસ્ક જ્વેલર્સ શો રૂમના કર્મચારીઓ દ્વારા મસમોટું કાંડ આચરી કરોડોની છેતરપિંડી કરવામાં આવી હતી ત્યારે વધુ એક શકત શનાળા ગામ પાસે આવેલ નીતિન ઝોન વિસ્તારમાં શુભમ ઇન્ડસ્ટ્રીઝ કે જ્યાં બિડિંગ પટ્ટીનું ઉત્પાદન કરતા હોય તેવી ભાગીદારી પેઢીમાં ઓફીસબોય તરીકે કામ કરતા કર્મચારીએ પેઢીના ભાગીદારોનો વિશ્વાસ જીતી પેઢીની બેંક કેશ ક્રેડિટ, માલ વેચાણના વેપારીઓ પાસેથી આવેલ રોકડ તેમજ ઓછાભાવે માલ વેચીને તેના આવેલા રૂપિયા એમ કુલ ૧ કરોડ ૬૨ લાખ ૭૪ હજાર થી વધારે રૂપિયા પોતાના પર્સનલ એકાઉન્ટમાં તથા અંગત ઉપયોગમાં વાપરી નાખી સમગ્ર કાંડ આચર્યાનું સામે આવતા પેઢીના ભાગીદાર દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
સમગ્ર છેતરપિંડીના બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીના નાની કેનાલ રોડ ઉપર મારુતિ એપાર્ટમેન્ટમાં રહેતા અને શકત શનાળા ગામ નજીક નીતિન ઝોન વિસ્તારમાં શુભમ ઇન્ડસ્ટ્રીઝ બિડિંગ પટ્ટીનું ઉત્પાદન કરતી પેઢીમાં ભાગીદાર એવા પ્રવીણભાઈ ગોવિંદભાઇ ભોરણીયાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસમાં આરોપી કિશન રમેશભાઈ બરાસરા રહે. મોરબી એવન્યુ પાર્ક રવાપર રોડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે આરોપી કિશન બરાસરા શુભમ ઈન્ડસ્ટ્રીઝની પેઢીમાં છેલ્લા સાત વર્ષથી ઓફિસ બોય તરીકે કામ કરે છે. ત્યારે ઓફિસમાં કિશન બરાસરા પેથીનું ખરીદ-વેચાણ,હિસાબ કિતાબ તેમજ બેંકમાંથી લેવડ દેવડનું કામ તથા માર્કેટમાં વેપારી સાથે સંપર્કમાં રહી ઉત્પાદનનું વેચાણનું કામ કરે છે. ત્યારે પેઢીના તમામ ભાગીદારોનો વિશ્વાસ જીતી ગત તા. ૩૦ જૂન ૨૦૨૩ થી ૨૭ એપ્રિલ ૨૦૨૪ દરમિયાન કિશન બરાસરા શુભમ ઇન્ડસ્ટ્રીઝમાં માર્કેટીંગ તેમજ ઓફીસનુ કામ કરતો હોય તેથી પેઢીની ચેક બુક તેની પાસે હોય ત્યારે ચેકબુકમાં અમારી જાણ બહાર પોતાની રીતે રકમ લખી અમારા ભાગીદાર ધર્મેન્દ્રભાઇની ખોટી સહી કરી બેંકની કેશ ક્રેડીટ(સી.સી.) ઉપાડી તેમજ અલગ અલગ વેપારીઓ પાસેથી વેપારના રૂપીયા પોતાના અંગત એકાઉન્ટમાં મેળવી પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખ્યા હતા અને UPI દ્રારા પોતાના બેંક ખાતામાં રૂપીયા ટ્રાન્સફર કરી નાખ્યા હતા. ઈન્ડસ્ટ્રીઝનું ઉત્પાદન (બિડિંગ પટ્ટી)ઓછા ભાવે વેપાર કરી માર્કેટીંગ કરી અમારી સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કરી તેમજ બેંકમાંથી આવતા મેસેજ ડીલીટ કરી નાખી ચેકોમાં પોતે ખોટી સહી કરી સાચા તરીકે ઉપયોગ કરી છેતરપિંડી આચરી હતી.
વધુમાં તમામ ખોટા વ્યવહાર કરી શુભમ ઇન્ડસ્ટ્રીઝ ભાગીદારી પેઢીને કુલ રૂપીયા – ૧,૬૨,૭૪,૪૩૫/- ની છેતરપીંડી કરી આર્થીક નુકશાન કરેલ હોવાની ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે આરોપી કિશન બરાસરા સામે આઇપીસી કલમ ૪૦૬, ૪૦૮, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬ મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.