મોરબીની લેવીન્જા સિરામિક ફેક્ટરીમાં કામ દરમિયાન થયેલા વિવાદને પગલે ત્રણ સાથી કર્મચારીઓએ એક કર્મચારી ઉપર લોખંડના પાઈપથી હુમલો કર્યો હતો. હુમલામાં યુવકને માથા અને હાથ-પગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટની સીનર્જી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મોરબીના રંગપર ગામની સીમમાં આવેલી લેવીન્જા સિરામિક ફેક્ટરીમાં કામ દરમિયાન વિવાદને કારણે એક કર્મચારી પર જીવલેણ હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં લેવીન્જા સીરામીકમાં ક્વોલિટી વિભાગમાં કામ કરતા હસમુખભાઈ ઉર્ફે હિરેન રમણીકભાઈ કંટારીયા રહે. ઉમા રેસીડન્સી મોરબી-૨ વાળા ગઈ તા.૦૯/૦૯ના રોજ રાત્રીના ૩ વાગ્યાના અરસામાં ફેક્ટરીમાં હોય તે દરમિયાન ગ્લેઝ લાઇન વિભાગમાં બેલ્ટ જામ થઈ ગયેલ હોય ત્યાં લાઇન ઓપરેટર આરોપી જગદીશ બ્રિજેશ યાદવ ટાઇલ્સ કાઢતા હોય, ત્યારે એક ટાઇલ્સ તેનાથી છૂટી જતા, હસમુખભાઈ ઉર્ફે હિરેનભાઈએ તેને ઠપકો આપતા બન્ને વચ્ચે થોડી બોલાચાલી થઈ હતો, ત્યારે હાજર શેઠે બંનેને સમજાવી કામે લગાડ્યા હતા, જે બાદ વહેલી સ્વાવરે ૫ વાગ્યાના અરસામાં હસમુખભાઈ ઉર્ફે હિરેનભાઈ ફરી પાછા ગ્લેઝ લાઇન વિભાગમાં આવ્યા ત્યારે આરોપી જગદીશ બ્રિજેશ યાદવ, ભગતરામ ઉર્ફે વિનય લખન યાદવ તથા પર્વત અમરસિંહ વસુનીયા ત્રણેય રહે.રંગપર ગામ લેવીન્જા સીરામીકના લેબર ક્વાર્ટર વાળાએ બોલાચાલી ઝઘડો કરી લોખંડના પાઇપ તથા ઢીકા પાટુ વડે હુમલો કર્યો હતો, જેમાં ત્રણેય આરોપીઓએ હસમુખભાઈ ઉર્ફે હિરેનભાઈને માથામાં અને શરીરે આડેધડ લોખંડના પાઇપનો માર મારી ત્રણેય આરોપીઓ નાસી ગયા હતા, ત્યારે માથામાં ગંભીર ઇજાઓ સાથે સારવાર અર્થે હસમુખભાઈ ઉર્ફે હિરેનભાઈને મોરનીની ક્રિષ્ના હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સીનર્જી હોસ્પિટલમાં રીફર કરાયા હતા, જ્યાં તેઓને માથામાં ત્રણ જગ્યાએ હેમરેજ અને હાથમાં ફ્રેક્ચરની ઇજાઓ અંગે સારવાર ચાલુ કરાઈ હતી, હાલ સમગ્ર બનાવ અંગે ઇજાગ્રસ્તના બનેવી હિતેશભાઈ રામજીભાઈ કાચરોલા રહે. નીલકંઠ પાર્ક, મોરબી વાળાએ તાલુકા પોલીસ સમક્ષ આરોપી જગદીશ બ્રિજેશ યાદવ, ભગતરામ ઉર્ફે વિનય લખન યાદવ તથા આરોપી પર્વત અમરસિંહ વસુનીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.