મોરબીમાં ગઈકાલે એક જ દિવસમાં ત્રણ અકાળે મોત નિપજ્યા હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે. જેમાં મોરબીના બિલિયા ગામના વૃદ્ધનું ડૂબી જવાથી તો મોરબીમાં આવેલ એસ્ટ્રીકા સીરામીકમા ગાયને બહાર કાઢવા માટે ગયેલ સિક્યુરિટી ગાર્ડનું લપ્સી ખાડામાં પડી જતા મોત નીપજ્યું છે. જયારે વાંકાનેરનાં જાલસીકા ગામે દિવાલ પડી જતા આધેડનું દીવાલ નીચે દટાઇ જતા મોત નીપજ્યું છે.
પ્રથમ બનાવમાં, મોરબીના બિલિયા ગામ ખાતે આવેલ પીરવાળુ તળાવ પાસે ગત તા.૨૦/૭/૨૩ ના સવારના સમયે કોઈ અજાણ્યો શખ્સ કુદરતી હાજતે ગયેલ હોય ત્યારે કોઈ કારણોસર તેઓ ગુમ થયા હતા. જેઓની તેમના પરિવારજનો દ્વારા શોધખોળ કરવામાં આવી રહી હતી. ત્યારે ગઈકાલે સવારના સમયે તેઓની લાશ પીરવાળુ તળાવમાંથી મળી આવી છે. જે અંગેની જાણ ગામના સરપંચ દ્વારા મોરબી તાલુકા પોલીસને કરવામાં આવતા મોરબી તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનો કબ્જો મેળવી તેને પીએમ અર્થે ખસેડી સમગ્ર મામલે અકાળે મોતની નોંધ કરી છે.
બીજા બનાવમાં, મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ ખોખરા હનુમાન રોડ એસ્ટ્રીકા સીરામીકમા રહેતા તુલશીરામ ભદોલે કોરી એસ્ટ્રીકા સીરામીક કારખાનામાં જ સીક્યુરીટી તરીકે નોકરી કરતા હતા. ત્યારે કારખાનાના ગેઇટમાથી ગાય અંદર આવતા તેને બહાર કાઢવા માટે જતા અકસ્માતે તેનો પગ લપસ્તા ખાડામા પડી જતા માથામા ગંભીર ઇજા થતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તેમનું ટૂંકી સારવાર બાદ મોત નિપજતા ફરજ પરના ડોક્ટરે વૃદ્ધને મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી છે.
ત્રીજા બનાવમાં, વાંકાનેરનાં જાલસીકા ગામે રહેતા નિરમલભાઇ ભીમાભાઇ લોખીલ ગઈકાલે પોતાના ઘર પાસે હતા. ત્યારે ભારે વરસાદ અને પવનના કારણે પોતાના ઘરની દિવાલ પડી જતા તેઓ દીવાલ નીચે દટાઇ જતા વધારે ઇજાઓ થવાથી તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તેમને સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નિપજતા ફરજ પરના ડોક્ટરે આધેડને મૃત જાહેર કરી સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી છે.