મોરબીના દલવાડી સર્કલ નજીક આવેલ પચીસ વારીયા સોસાયટીના રહેવાસીઓ દ્વારા રસ્તા અને ગટરની સમસ્યાને લઈ તંત્રનું ધ્યાન ખેંચાવા ચક્કાજામ કર્યો હતો. ત્યારે પોલીસે સ્થળ પર પહોંચી, લોકોને રોડ ઉપરથી બળજબરીપૂર્વક હટાવી ચક્કાજામ હટાવ્યો હતો. ત્યારે રહેવાસીઓએ તંત્ર ઉપર ભેદભાવનો આક્ષેપ કર્યો હતો.
મોરબી શહેરના દલવાડી સર્કલ નજીક આવેલી પચીસ વારીયા સોસાયટીના રહીશો ખરાબ રસ્તા અને ગટર જેવી સમસ્યાઓથી ત્રસ્ત થઈ આ સમસ્યાના ઉકેલ માટે અનેક વાર તંત્રને રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા આખરે રોષે ભરાયેલા રહીશોએ રસ્તા પર ઉતરી ચક્કાજામ કર્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી, ત્યારે પણ રહેવાસીઓએ પોતાનો વિરોધ ચાલુ રાખ્યો હતો અને થોડા સમય માટે ટ્રાફિક બંધ રહ્યો હતો. જે બાદ પોલીસે બળજબરીપૂર્વક રહીશોને રોડ ઉપરથી હટાવી ચક્કાજામ ખોલાવ્યો હતો. જોકે, રહીશોએ આક્ષેપ કર્યો હતો કે મોટી સોસાયટીઓના લોકો રસ્તા પર ઉતરે ત્યારે કોઈ તેમની સામે કડક પગલાં લેતું નથી, પણ અમે ગરીબ લોકો અવાજ ઉઠાવીએ તો તંત્ર તાત્કાલિક આકરા પગલાં લે છે.