મોરબી: ઇન્ડોનેશિયાના યોગ્યાકર્તા શહેરમાં યોજાયેલી આઈએસઓ (સિરામિક ટાઇલ્સ)ની આંતરરાષ્ટ્રીય બેઠકમાં ચાઇના દ્વારા સ્લેબ ટાઇલ્સ માટે નવા ફરજીયાત ટેસ્ટ સ્ટાન્ડર્ડ લાવવાના પ્રયાસો ફરી નિષ્ફળ ગયા છે. ભારત સહિત અનેક દેશોના વિરોધને કારણે ચાઇના પ્રસ્તાવિત સ્ટાન્ડર્ડ કેન્સલ થયા હતા. મોરબી સિરામિક ઉદ્યોગને બચાવવામાં ભારતીય પ્રતિનિધિઓની ભૂમિકા ફરી એક વખત નિર્ણાયક સાબિત થઈ હતી.
ઇન્ડોનેશિયાના યોગ્યાકર્તા શહેરમાં તા. ૧૩ અને ૧૪ નવેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય સ્તરની ISO-TC/189 વર્કિંગ કમિટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં વિશ્વના ૨૯ સભ્ય દેશોમાંથી ૨૬ દેશોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. સિરામિક ટાઇલ્સ ક્ષેત્રના ગ્લોબલ સ્ટાન્ડર્ડ-સેંટિંગ માટે જાણીતી આ ઓર્ગેનાઇઝેશનની બેઠકમાં ભારત તરફથી પાંચ સભ્યોની પ્રતિનિધિમંડળી હાજર રહી હતી. જેમાં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)ના ચેરમેન ડો. અશોક ખુરાના, આર.ડી. માથુર, પોલસન કે., મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ હરેશ બોપલિયા અને BIS કમિટી મેમ્બર જેરામભાઈ કાવર ઉપસ્થિત રહ્યા હતા.
ગત વર્ષમાં ચાઇના ડેલિગેશને સ્લેબ ટાઇલ્સમાં ઇલસ્ટિક મોડ્યુલ્સ ફોર સબસ્ટ્રેટ એન્ડ ગ્લેઝ લેયર નામનો ફરજીયાત ટેસ્ટ લાવવાનો પ્રયાસ કર્યો હતો, જેનો ભારતે કડક વિરોધ કર્યો હતો. ભારતના વિરોધને અમેરિકા, ઇટાલી, બ્રાઝીલ, ઑસ્ટ્રેલિયા અને તર્કી સહિત અનેક દેશોએ ટેકો આપ્યો હતો. અંતે ISO કમિટીના ચેરમેન ડો. સેન્ડર્સ જોન પી. (અમેરિકા)એ ભારતની રજૂઆતને માન્ય રાખતા ચાઇના પ્રસ્તાવને રદ કર્યો હતો. આ વર્ષે ચાઇના ફરી એક વખત સ્લેબ ટાઇલ્સ માટે ફ્રેકચર સ્ટ્રેન્થ ઓફ ગ્લેઝ નામનો નવુ આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ લાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભારતીય પ્રતિનિધિમંડળે તાત્કાલિક આ કાવતરાને પણ નિષ્ફળ કર્યું હતું. અન્ય સહયોગી દેશોના સમર્થન સાથે ચાઇનાના આ નવા પ્રસ્તાવનો પણ જોરદાર વિરોધ નોંધાવતાં ચાઇનાની કૂટનીતિ ફરી નિષ્ફળ ગઈ અને પ્રસ્તાવિત સ્ટાન્ડર્ડ કેન્સલ કરવામાં આવ્યું હતું.
આ નવા ટેસ્ટ સ્ટાન્ડર્ડ સ્વીકારવામાં આવે તો મોરબી સિરામિક ઉદ્યોગને ભારે આર્થિક ફટકો લાગી શકે હતો, કારણકે તે મુજબની ગુણવત્તા માટે જરૂરી રો મટીરિયલ ભારતમાં ઉપલબ્ધ નથી. પરિણામે ભારતને આ પ્રકારના રો મટીરિયલ ઇમ્પોર્ટ કરવા પડે, જેના કારણે પડતર બોજ વધી જાય અને વૈશ્વિક બજારમાં મોરબીની સ્પર્ધાત્મકતાને ગંભીર નુકસાન થાય. ચાઇનાનું ધ્યેય સ્પષ્ટ હતું કે, આંતરરાષ્ટ્રીય ISO સ્ટાન્ડર્ડને પોતાની સુવિધા મુજબ ઢાળી મોરબી ઉદ્યોગને વૈશ્વિક બજારમાંથી હટાવવુ, પરંતુ ભારતીય ડેલિગેશનની સતર્કતા, સચોટ રજૂઆત અને કૌશલ્યપૂર્ણ સમજાવટે ચાઇનાના પ્રયાસોને બીજી વખત નિષ્ફળ બનાવી દીધા હતા. BIS-દિલ્હી તથા મોરબી સિરામિક ઉદ્યોગ વચ્ચેની સતત સહકારસભર બેઠકો, માર્ગદર્શન અને તકનીકી સમજણના કારણે ભારત ISOની આંતરરાષ્ટ્રીય મંચ પર મજબૂત રીતે ઊભું રહ્યું. મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું કે BIS દર વર્ષે યોજાતી ISO બેઠક પહેલાં અને પછી મોરબી ઉદ્યોગને જરૂરી માહિતી, તાલીમ તથા માર્ગદર્શન પૂરૂં પાડે છે. પરિણામે મોરબી ઉદ્યોગ ચાઇના જેવી નીતિઓ સામે સચેત રહી શક્યુ છે









