દેશી દારૂની હેરાફેરીમાં મહિલા બુટલેગરનું નામ ખુલ્યું.
મોરબી શહેરના બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં પૂર્વ બાતમીને આધારે પોલીસે એક બલેનો કારમાં દેશી દારૂની હેરાફેરી કરતા બે ઇસમોને ઝડપી લેવામાં આવ્યા છે, બી ડિવિઝન પોલીસે કારમાંથી ૨૫૦ લીટર દેશી દારૂનો જથ્થો તથા કાર સહિત ૩.૫૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે, જ્યારે પકડાયેલ બન્ને ઇસમોની પૂછતાછમાં આ ગોરખ ધંધામાં સંડોવાયેલ મહિલા બુટલેગરના નામની કબુલાત આપતા, પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ ચલાવી છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં પીઆઇ એન.એ.વસાવાની રાહબરી હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન કોન્સ. સિધ્ધરાજસિંહ ઝાલા તથા ધર્મેન્દ્રસિંહ ઝાલાને મળેલ ખાનગી હકીકતના આધારે આરોપી વિશાલભાઇ હરખાભાઇ ઝીઝવાડીયા ઉવ.૨૦ રહે, પાણીની ટાંકી પાસે જેતપર ગામ તા.જી.મોરબી તથા આરોપી કિશનભાઈ રમેશભાઇ મકવાણા ઉવ.૨૦ રહે. વીસીપરા મદીના સોસાયટી બિલાલી મસ્જીદ પાસે વાળા બે આરોપીઓને પોતાના હવાલાવાળી સફેદ કલરની બલેનો ફોર વ્હિલર ગાડી રજી.નં. જીજે-૩૬-એપી-૫૦૦૩ વાળીમાં દેશી દારૂનો જથ્થો લીટર ૨૫૦ જેની કિ.રૂ.૫૦,૦૦૦/-તથા બલેનો ફોર વ્હિલર ગાડીની કિ.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૩,૫૦,૦૦૦/- નો મુદ્દામાલ પકડી પાડી કાયદેશરની કાર્યવાહી કરેલ છે. આ સાથે બંને આરોપીઓની પ્રાથમિક પૂછતાછમાં મહિલા આરોપી યાસ્મીન ઉર્ફે આરતી સંજયભાઇ અગેચણીયા રહે. શોભેશ્વર સોસાયટી જુના ઘુટુ રોડ મોરબી-૨ વાળીનું નામ ખુલતા તેને બી ડિવિઝન પોલીસે ફરાર દર્શાવી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.