રાજપીપળાના ડેડીયાપાડા ખાતે આવેલ કોર્ટ બિલ્ડીંગમાં પોલીસ દ્વારા વકીલને જતા રોકી ખરાબ વર્તન કરવામાં આવતા મોરબી બાર એસોસિએશન દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.જેમાં તેઓ દ્વારા આ કૃત્ય કરનાર પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવા માંગ કરવામાં આવી છે.
મોરબી બાર એસોસિએશન દ્વારા કલેક્ટરને રજૂઆત કરતા જણાવવામાં આવ્યું હતું કે, આજ રોજ મોરબી જિલ્લા બાર એસોસિએશનની મિટિંગ મળી હતી. જેમાં ગઈ તા.૦૬/૦૭/૨૦૨૫ ના રોજ રાજપીપલાના ડેડીયાપાડા ખાતે વકીલને કોર્ટ બિલ્ડીંગમાં જતા પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા અને વકીલ સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યો હતો. તેમજ આ બાબતે પુછાતા પોલીસ અધિકારી દ્વારા કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ન હતો. જેથી મોરબી જિલ્લા બાર એસોસિએશન દ્વારા જવાબદાર પોલીસ અધિકારીઓ સામે યોગ્ય પગલાં લેવા માટે ઠરાવ કરવામાં આવ્યો છે. વકીલને કોર્ટમાં જતા પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે રોકવામાં આવ્યો અને કોર્ટમાં પ્રવેશવા દીધેલ નહિ હોય જેથી પોલીસ દ્વારા બંધારણના અનુચ્છેદ ૧૯ નું સારે આમ ઉલ્લંઘન કર્યું છે. અને એડવોકેટ એક્ટ ૧૯૬૧ ની જોગવાઈઓનું પણ ઉલ્લંઘન કર્યું છે. પોલીસ આવી ખોટી રીતે વકીલોને હેરાન પરેશાન કરી શકે નહિ. જેથી ભવિષ્યમાં પોલીસ કોઈ વકીલ સાથે કોઈ પણ જગ્યાએ બેહુદુ વર્તન ન કરે તે માટે રાજ્ય સરકારે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ અને આ મુદ્દો માત્ર ડેડીયાપાડા એક કોર્ટનો નથી પણ સમગ્ર ગુજરાત રાજ્યના વકીલો માટે ગંભીર બાબત છે. અને કલંકિત પ્રશ્ન છે. જેથી મોરબી બાર એસોસિએશન પોલીસ અધિકારીના આવા ગેરકાયદેસરના વર્તનને સાંખી લેતું નથી અને ડેડીયાપાડામાં વકીલ સાથે કરેલ ગેર વર્તનને સખત શબ્દોમાં વખોડી કાઢે છે. અને આવું કૃત્ય આચરનાર પોલીસકર્મીઓ વિરુદ્ધ તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ તેઓને સસ્પેન્ડ કરવા ગુજરાત સરકારને માંગણી કરાઈ છે