મોરબી: ભગવાન શ્રીપરશુરામ ધામ, જે મોરબીના બ્રાહ્મણ સમાજ તેમજ અન્ય સમાજ માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે, તેનાં પ્રમુખ તરીકે ૧૫ વર્ષ સુધી સેવા આપનાર ભુપતભાઈ પંડ્યાની સન્માન સાથે વિદાય કરવામાં આવી છે.
ભુપતભાઈએ પોતાના કાર્યકાળ દરમિયાન પરશુરામ ધામના વિકાસને વેગવંતો બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. તેઓએ દર રવિવારે મહાપ્રસાદનું આયોજન, કોરોના કેર સેન્ટરનું સંચાલન, ધાર્મિક કાર્યક્રમો અને વિશિષ્ટ વ્યક્તિઓના સન્માન જેવા સંખ્યાબંધ પ્રોત્સાહક આયોજન કરવામાં આગવી ભૂમિકા ભજવી છે. હાલમાં નાદુરસ્ત તબિયતને લીધે તેમણે રાજીનામું આપ્યું છે, પરંતુ પોતાની યથાયોગ્ય સહકાર આપવાની ખાતરી વ્યક્ત કરી છે. રવિવારે તેમના સન્માન માટે યોજાયેલા કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓએ ભુપતભાઈના કાર્યને બિરદાવ્યું હતું અને તેમની સ્વસ્થતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે ડો. અનિલભાઈ મહેતા, હસુભાઈ પંડ્યા, ડો. બી. કે. લહેરુ, એડવોકેટ જગદીશભાઈ ઓઝા, મુકુંદભાઈ જોશી, સુરેશભાઈ જોશી, વિનુભાઈ ભટ્ટ, દિપભાઈ પંડ્યા સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી ભુપતભાઈને સન્માનિત કરી શુભકામનાઓ પાઠવી હતી.