મોરબીના મહેન્દ્ર ડ્રાઈવ રોડ ઉપર ગ્રાહકો એક ગોલાવાળાને ત્યાંથી બીજા ગોલાવાળા પાસે જતા રહેતા જે બાબતે ગોલાના ધંધાર્થી એવા ભાઈ-બહેન ઉપર બાજુની ગોલાની લારીવાળા ત્રણ શખ્સોએ હુમલો કરી, ઢીકાપાટુ તેમજ ખુરશી વડે માર મારી, હોવી દુકાન ખોલશો તો જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી, ત્યારે સમગ્ર માર મારવાની ઘટના અંગે ભોગ બનનાર પ્રૌઢ મહિલા દ્વારા મોડી રાત્રીના એ ડિવિઝન પોલીસ મથકમાં ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મોરબીના રવાપર-ઘુનડા રોડ ઉપર શિવમ પેલેસ બ્લોક નં.૩૦૫ માં રહેતા ચંદ્રિકાબેન પ્રભુલાલ પંડ્યા ઉવ.૫૦ કે જેઓના પતિના અવસાન બાદ તેમના ભાઈ મુકેશભાઈ જયંતીલાલ દવે સાથે મહેન્ડ ડ્રાઈવ રોડ ઉપર જશુભાઈ ગોલાવાળા નામની દુકાન ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે, ત્યારે ગઈકાલ રાત્રીના ૯.૩૦ વાગ્યાના અરસામાં ચંદ્રિકાબેન અને તેમના ભાઈ પોતાના ગોલાના ધંધામાં વ્યસ્ત હોય તે દરમિયાન બાજુમાં આવેલ મોમાઈ આઇસ ડિસ ગોલાવાળાને ત્યાંથી સ્વેચ્છાએ ગ્રાહકો ઉભા થઈને ચંદ્રિકાબેનની દુકાને આવી જતા, જે બાબતનો ખાર રાખી મોમાઈ આઇસ ડિસ ગોલાવાળા કિશનભાઈ ભરતભાઇ ભરવાડ, નિલેશભાઈ ભરતભાઈ ભરવાડ તથા બાબુ ભરવાડ નામના શખ્સોએ ચંદ્રિકાબેન ની ગોલાની દુકાને આવી તેમના ભાઈને આંખ ઉપર મુક્કો મારી, ત્રણેય શખ્સો ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા, ત્યારે ચંદ્રિકાબેન વચ્ચે છોડાવવા જતા, તેમને ખુરશી માથાના ભાગે મારી ઇજા પહોંચાડી હતી, બંને ભાઈ-બહેનને બેફામ ઢીકા પાટુનો માર મારવા લાગ્યા હતા, જે દરમિયાન આજુબાજુની ગોલાવાળાની દુકાનો વાળાએ બંને ભાઈ-બહેનને વધુ મારથી છોડાવ્યા હતા. ત્યારે સમગ્ર બનાવ અંગે ચંદ્રિકાબેન દ્વારા એ ડિવિઝન પોલીસ મથકમાં ઉપરોક્ત આરોપી કિશનભાઈ, નિલેશભાઈ તથા બાબુભાઇ રહે. ત્રણેય મોરબી મોચી ચોકવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.