મોરબી: ‘બેટી બચાવો બેટી પઢાવો’ યોજના હેઠળ દીકરીઓના શિક્ષણને વેગ આપવા અને સમાજમાં દીકરીઓ પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ કેળવવાના ઉદ્દેશ્ય સાથે સરકારની પહેલ કરવામાં આવી છે. જેના ભાગરૂપે માર્ચ-૨૦૨૫માં લેવાયેલી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષામાં પોતાની શાળા કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર દીકરીઓને પ્રોત્સાહિત કરવા માટે કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને સરકારી શાળાની તેજસ્વી દીકરીઓને એજ્યુકેશન કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન દીકરીઓ ઉચ્ચ શિક્ષણ તરફ વધુ ઉત્સાહ સાથે આગળ વધે તેવા હેતુથી કલેક્ટરના હસ્તે પ્રતીકાત્મક રૂપે પાંચ દીકરીઓને એજ્યુકેશન કીટ અર્પણ કરવામાં આવી હતી.
આ અવસરે ઉપસ્થિત દીકરીઓને પ્રોત્સાહિત કરતા કલેક્ટર કે.બી. ઝવેરીએ જણાવ્યું હતું કે, “શિક્ષણ એ દીકરીઓના સશક્તિકરણનું સૌથી મોટું શસ્ત્ર છે. દીકરીઓ માત્ર ભણે એટલું જ નહીં, પરંતુ શિક્ષણ પ્રાપ્ત કરી આત્મનિર્ભર બને અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે પોતાનું યોગદાન આપે તે અત્યંત અનિવાર્ય છે.” તેમણે તમામ દીકરીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ કાર્યક્રમમાં જીલ્લા વિકાસ અધિકારી એન.એસ. ગઢવી, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે. શ્રીવાસ્તવ, જીલ્લા મહિલા અને બાળ અધિકારી જલ્પાબેન ત્રિવેદી અને જીલ્લા રોજગાર અધિકારી મનિશાબેન સાવનિયા તથા વિદ્યાર્થીનીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.









