મોરબીના નવલખી બાયપાસ રોડ ઉપર કૈલાસ પાર્ક સોસાયટીમાં શેરીમાં નીકળેલ નંબર પ્લેટ વિનાની સ્વીફ્ટ કારના ચાલકને શેરીમાં પાડોશી સાથે બેઠેલ વેપારીએ કાર ધીમે ચલાવવાનું કહેતા, કારચાલકે તેના અન્ય સાથીઓને બોલાવી વેપારી તથા તેમના મિત્ર ઉપર હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ શહેર પોલીસે પાંચેય આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે.
મોરબીના કૈલાસ પાર્ક સોસાયટી નવલખી બાયપાસ ભગવતી હોલ પાસે રહેતા ૩૫ વર્ષીય મનોજભાઈ ભીખાભાઈ કલોલા ગત તા. ૦૯ ઓગસ્ટના રાત્રીના આશરે ૧૨.૩૦ વાગ્યે પોતાની સોસાયટીની શેરીમાં ઘર પાસે તેમના મિત્ર મહેશભાઈ ચંદુભાઈ ભેસદડીયા અને બનેવી વિમલભાઈ મનશુખભાઈ સાથે બેઠા હતા, ત્યારે શેરીમાંથી નંબર વિનાની મારૂતિ સ્વિફ્ટ કાર પુરઝડપે પસાર થતા મનોજભાઈએ કારચાલકને કાર ધીમે ચલાવવા કહ્યું હતું, જેથી કારચાલક ગુસ્સે થઈ ગાળો આપી ઝગડો કરવા લાગ્યો હતો. બાદમાં કાર ચાલકે પોતાના મામાને બોલાવ્યા હતા, તેઓએ પણ મનોજભાઈને કહ્યું કે, કાર તો આમ જ ચાલશે, બાદમાં કાર ચાલકે અન્ય કોઈને ફોન કરતા, કિયા સેલ્ટોસ કાર જીજે-૧૮-ઈસી-૦૦૨૭ માં વધુ બે સાથીઓ ત્યાં આવ્યા અને આ પાંચેય આરોપીઓએ મનોજભાઈ સાથે ઝપાઝપી કરી હતી, આ દરમિયાન સ્વિફ્ટ કારચાલકના હાથમાં રહેલી કોઈ વસ્તુ વડે મનોજભાઈના માથાના આગળ-પાછળના ભાગે તથા હોઠમાં ઈજા થઈ હતી. જ્યારે મનોજભાઈના મિત્ર મહેશભાઈને પણ મૂઢ ઈજા પહોંચી હતી. મનોજભાઈના પત્ની રીંકલબેન વચ્ચે પડતાં તેમને ધક્કો લાગી જતા જમીન પર પડી ગયા હતા.
જે બાદ સોસાયટીના લોકો એકઠા થઇ જતા પાંચેય આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપીને સેલટોસ કાર મૂકીને ત્યાંથી ભાગી ગયા હતા. સમગ્ર ઘટના મામલે પોલીસને જાણ કરતા તાત્કાલિક પોલીસ ટીમ સ્થળ ઉપર પહોંચી મનોજભાઈ અને મહેશભાઈને મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મનોજભાઈના માથામાં બે-બે ટાંકા આવ્યા હતા. મોરબી પોલીસે પાંચેય અજાણ્યા આરોપીઓ સામે મારામારી, ધમકી અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓની અટક કરવા તજવીજ હાથ ધરી છે.