મોરબી સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં બે મોબાઇલ નંબર અને ૭ બેંક ખાતા ધારક સામે ફરિયાદ નોંધાઈ.
મોરબીના કાયાજી પ્લોટ ખાતે રહેતા વેપારી સાથે ઓનલાઇન ક્રિપ્ટોકરન્સી યુ.એસ.ડી.ટી.માં રોકાણ કરાવી વધુ નફો અને કમાણીની લાલચ આપીને કરોડો રૂપિયા પડાવી લેવાયાનો બનાવ આમે આવ્યો છે. સાયબર ફ્રોડના આરોપીઓએ વોટ્સએપ દ્વારા સંપર્કમાં આવી, વિશ્વાસ કેળવી રૂ.૧.૫૧ કરોડની છેતરપિંડી કરી હોવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાઈ છે.
મોરબી શહેરના કાયાજી પ્લોટ-૮ સ્થિત પ્રમુખ હાઇટસ-૧ ખાતે રહેતા વેપારી નૈમીશ કનૈયાલાલ પંડિત ઉવ.૩૯ દ્વારા મોરબી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન નોંધાવેલી ફરિયાદ મુજબ, તા. ૦૪ મે ૨૦૨૫ થી ૨૧ મે ૨૦૨૫ દરમિયાન વોટ્સએપ પરથી અજાણ્યા વ્યક્તિઓ દ્વારા સંપર્ક કરી આરોપીઓએ પોતાને નાણાંકીય સલાહકાર બતાવી, યુ.એસ.ડી.ટી. નામની ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરાવ્યું અને રૂપિયા કમાવાની લાલચ આપી હતી, ત્યારે સતત વાતચીત કરી ફરીયાદીનો વિશ્વાસ જીતી, અલગ-અલગ બેંક ખાતામાં કુલ રૂ. ૧,૫૧,૦૨,૫૦૦/- ટ્રાન્સફર કરાવી લીધા હતા. સાયબર ફ્રોડ આરોપીઓએ વિવિધ બેંકોના એકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો. જેમાં બેંક ઓફ મહારાષ્ટ્ર, આઇસીઆઇસીઆઇ, ઇન્ડુસઇન્ડ બેંક તથા આઇડીએફસી ફર્સ્ટ બેંકના કુલ ૭ એકાઉન્ટનો સમાવેશ થાય છે. આ સિવાય બે મોબાઇલ નંબર જેમાં +૯૧૯૧૫૭૭૮૨૬૯૨ અને +૮૫૨૬૫૪૭૭૮૦૧ છે. હાલ સાયબર ક્રાઇમ પોલીસે આરોપીઓ વિરુદ્ધ બીએનએસ કલમ અને આઇટી કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ પીઆઇ કે.કે.દરબાર દ્વારા કરવામાં આવી રહી છે.