મોરબી શહેરમાં રહેતા ઉદ્યોગપતિને વોટ્સએપ પર આરટીઓ ચલણ નામની ખોટી .apk ફાઇલ મોકલી સાયબર ઠગોએ તેમના બેન્ક ખાતામાંથી રૂ.૩.૩૩ લાખ ઉપાડી લીધા હતા. હાલ બનાવ અંગે નોંધાયેલ ફરિયાદને આધારે પોલીસે આરોપીઓ વિરુદ્ધ આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના સરદારનગર-૧ ખાતે રહેતા મૂળ લજાઈ ગામના વતની અશોકભાઈ દામજીભાઈ કોટડીયા ઉવ.૪૬ લજાઈ ગામ નજીક ભીમનાથ મહાદેવ રોડ ઉપર “નેચરલ ઇન્ટરનેશનલ” નામે માટીનું કારખાનું ચલાવે છે. તેમણે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આપેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, તા. ૨૫ જૂન ૨૦૨૫ની રાત્રે આશરે ૯ વાગ્યે તેમના મોબાઇલ નંબર ઉપર વોટ્સએપ મારફતે અજાણ્યા નંબર પરથી “RTO Challan.apk” નામની ફાઇલ આવેલ હતી. અશોકભાઈએ જણાવ્યું કે તાજેતરમાં તેમના પિતાના નામે ટ્રેક્ટર લીધું હોવાથી તેમને લાગ્યું કે આ કોઈ આરટીઓ સંબંધિત દસ્તાવેજ હશે, તેથી તેમણે તે ફાઇલ ઓપન કરી. ફાઇલ ખૂલ્યા બાદ મોબાઇલ ગરમ થવા લાગ્યો અને બાદમાં અપડેટ કરાવ્યા છતાં સમસ્યા યથાવત રહી. થોડા દિવસ પછી મિત્રો પાસેથી જાણવા મળ્યું કે “RTO Challan” નામે ઓનલાઈન ફ્રોડ ચાલી રહ્યો છે. ત્યારબાદ તેમણે સાયબર હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાવી. બાદમાં બેન્ક સ્ટેટમેન્ટ તપાસતા ખબર પડી કે તા. ૨૬ જૂન ૨૦૨૫ના રોજ તેમના ખાતામાંથી બે અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂ.૩,૩૩,૫૦૦/- ઉપાડી લેવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ ટ્રાન્ઝેક્શન રૂ.૩,૦૦,૦૦૦/- બીલડેસ્કઃ એકાઉન્ટ PLSREFERREMARKS જ્યારે બીજું ટ્રાન્ઝેક્શન રૂ.૩૩,૫૦૦/- બીલડેસ્ક એકાઉન્ટ BHDFJBIOOJOAR1 માં કરવામાં આવ્યું હતું. હાલ મોરબી એ ડિવિઝન પોલીસે ઉપરોક્ત બીલડેસ્ક એકાઉન્ટ ધારક વિરુદ્ધ આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.









