મોરબી સીરામીક ફ્લોર ટાઇલ્સ એસો.ના પ્રમુખ કિશોરભાઈ ભાલોડિયાનું ફેસબુક એકાઉન્ટ હેક કરી તેમના ફેસબુક ફ્રેન્ડસ પાસેથી રૂપિયાની માંગણી કરવામાં આવતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ફેસબુક એકાઉન્ટ હેક થવા અંગે કિશોરભાઈના 15 કરતા વધુ ફેસબુક ફ્રેન્ડ મારફત જાણ થતાં કિશોરભાઈએ મોરબી એ.ડીવી.ખાતે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર કિશોરભાઈના એફ.બી. ફ્રેન્ડ્સને કિશોરભાઈના નામે જ હેકર્સ દ્વારા મેસેજ મોકલવામાં આવ્યા હતા. જે મેસેજમાં રૂપિયાની અરજન્ટ જરૂર હોવાનું જણાવીને ગૂગલ પે અથવા પેટીએમ મારફત રૂપિયા ટ્રાન્સફર કરવાનું જણાવવામાં આવ્યું હતું. જો કે, સદભાગ્યે કોઈએ રૂપિયા ટ્રાન્સફર ન કરી કિશોરભાઈને જાણ કરતા એકાઉન્ટ હેક થયું હોવાની બાબત બહાર આવી હતી હાલ કિશોરભાઈએ મોરબી એ.ડીવી. પો. મથકના સાયબર સેલમાં અજાણ્યા હેકર્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. એ.ડીવી. પોલીસે હેકર્સના મૂળ સુધી પહોંચવા કવાયત હાથ ધરી હોવાનું પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પહોંચેલા કિશોરભાઈએ મોરબી મિરરને જણાવ્યું હતું.