મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ તથા અન્ય આગેવાનો દ્વારા ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી તથા તેમના સચિવ સાથે રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. જે મુલાકાત દરમિયાન બાંધકામ જંત્રી સંબંધિત મુદ્દાઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી.
મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયા સાથે અન્ય આગેવાનો સુખદેવભાઈ, શામજીભાઈ તથા રમેશભાઈએ આજ રોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી તથા તેમના અંગત સચિવ સાથે રૂબરૂ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન બાંધકામ જંત્રી સંબંધિત મુદ્દાઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી. ખાસ કરીને જૂના યુનિટોમાં જંત્રીનું મૂલ્ય વધુ આવતાં ખરીદ-વેચાણમાં પડતી મુશ્કેલીઓ બાબતે ઊંડાણપૂર્વક ચર્ચા થઈ હતી. આ અંગે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા માનનીય મુખ્યમંત્રીએ હકારાત્મક અભિગમ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ રાજ્યકક્ષાના મંત્રી પ્રવિણભાઈ માળી સાથે રૂબરૂ મુલાકાત લઈ, તેમની સમક્ષ GPCB તથા ગ્રાઉન્ડ વોટર સંબંધિત પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. આ મુદ્દાઓ પર પણ સત્વરે યોગ્ય કાર્યવાહી કરવા તેમણે હકારાત્મક વલણ દર્શાવ્યું હતું. તેમજ આગામી સમયમાં મોરબીની મુલાકાત લઈ ઉદ્યોગોને લગતા GPCB સંબંધિત પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. આ ઉપરાંત રાજ્યકક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરિયાશ્રી સાથે મુલાકાત દરમિયાન ૬૬ કે.વી. સાપર તથા ૨૨૦ કે.વી. રંગપર સબસ્ટેશન અંગે રજૂઆત કરવામાં આવી હતી, જે બાબતે તેમણે સંબંધિત વિભાગને તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી હતી. સાથે જ ગુજરાત ગેસના ભાવમાં ઘટાડા માટે કરાયેલ ભારપૂર્વક રજૂઆત પર પણ તાત્કાલિક નિરાકરણ લાવવાની હૈયાધારણા આપી હતી અને ઉદ્યોગના મહત્વના પ્રશ્નોમાં સકારાત્મક કાર્યવાહી કરી સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી.









