મોરબી સીરામીક મેન્યુ. એસોસિએશન દ્વારા ગઈકાલે દિલ્હી ખાતે શ્રમ અને રોજગાર મંત્રી મનસુખભાઈ માંડવીયાની રૂબરૂ મુલાકાત કરવામાં આવી હતી. અને સિરામિક ઉદ્યોગોને પડતા વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી.
ગઈકાલે તા. 25/09/2025 ના રોજ ધારાસભ્ય પ્રકાશભાઇ વરમોરા, સેનિટરીવેર ડિવિઝન પ્રમુખ અજયભાઈ મારવાણીયા, પૂર્વ પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા, નિલેશભાઈ જેતપરીયા તથા વિજયભાઈ ફેવરિટ લીગલ કન્સલ્ટન્ટ અને પંકજભાઈ રાચ્છ દ્વારા દિલ્હી ખાતે શ્રમ અને રોજગાર મંત્રી મનસુખભાઈ માંડવીયાની રૂબરૂ મુલાકાત કરી સિરામિક ઉદ્યોગોના પ્રશ્નોની રજૂઆત કરી હતી. જેમાં નવા લેબર રિફોર્મ્સ બાબતે મંત્રીને સૌજન્યપૂર્વક વિનંતી તથા સૂચન કરવામાં આવ્યું કે, આવતા લેબર રિફોર્મ્સમાં બિનજરૂરી કાનૂની ગૂંચવણો, અમલદાર શાહી તથા લાઇસન્સિંગ રાજમાંથી ઉદ્યોગોને મુક્ત રાખવામાં આવે, જેથી ઉદ્યોગોને સુગમતા મળે. તેમજ લાંબા સમયથી બાકી એક્સાઈઝ કેસ બાબતે મંત્રી સમક્ષ ઉદ્યોગના એક્સાઈઝ સંબંધિત કેસની રજૂઆત કરતાં, તેમણે આ વિષયમાં ખાસ રસ દાખવ્યો હતો તથા સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ત્વરિત કોન્ટેક્ટ કરી પોઝિટિવ સોલ્યૂશન લાવવા સૂચના આપી હતી. ત્યારે આ તમામ રજૂઆત અંગે મનસુખભાઈ માંડવીયાએ ખૂબ જ પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો હતો.