મોરબી: વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને ગણિત પ્રત્યે રસ જાગે તથા તેમની પ્રતિભાને ઓળખ મળે તે હેતુસર રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ શ્રી આર.બી. પટેલ એન્ડ એલ.જી. મહેતા હાઇસ્કૂલ ખરેડા ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું. કુલ ૨૬ કૃતિઓ સાથે ૫૨ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શ્રેષ્ઠ કૃતિઓ હવે જીલ્લા કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે.
રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓના વૈજ્ઞાનિક ચિંતનનો વિકાસ થાય અને ગણિત-વિજ્ઞાન પ્રત્યે રુચિ વધે તેવા ઉદ્દેશ્યથી આ વર્ષે “બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન”નું શાળા વિકાસ સંકૂલ કક્ષાએ આયોજન કરવામાં આવ્યું હતું. તે અનુસંધાને શ્રીમદ રાજચંદ્ર શાળા વિકાસ સંકૂલ મોરબી દ્વારા તા. ૨૦ નવેમ્બર ૨૦૨૫ ગુરુવારે ખરેડા ગામની શ્રી આર.બી. પટેલ અને એલ.જી. મહેતા હાઇસ્કૂલ ખાતે વૈજ્ઞાનિક પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સંકૂલના કન્વીનર સંજીવભાઈ એ. જાવિયાએ માહિતી આપતા જણાવ્યું કે G.C.E.R.T. ગાંધીનગર તથા જીલ્લા શિક્ષણ તાલીમ ભવન મોરબીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ પ્રદર્શનમાં આ વર્ષે મુખ્ય વિષય સ્ટેમ ફોર વિકસિત એન્ડ આત્મનિર્ભર ભારત રાખવામાં આવ્યો હતો. આ વિષયને અનુરૂપ પાંચ જુદા જુદા વિભાગોમાં કુલ ૨૬ કૃતિઓ રજૂ કરવામાં આવી, જેમાં ૫૨ જેટલા વિદ્યાર્થિઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. દરેક વિભાગમાં ભાગ લેનાર તમામ બાળ વૈજ્ઞાનિકોને પ્રમાણપત્ર અને ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. વિજ્ઞાન પ્રત્યે વિદ્યાર્થીઓની કુશળતા અને કલ્પનાશક્તિને પ્રોત્સાહિત કરવા માટે તેમની કૃતિઓનું મૂલ્યાંકન નિવૃત્ત શિક્ષકો બી.એમ. ફૂલતરિયા અને એમ.એચ. વડાવિયા દ્વારા કરવામાં આવ્યું હતું. દરેક વિભાગમાં પ્રથમ સ્થાન મેળવતી કૃતિઓ હવે જીલ્લા કક્ષાના પ્રદર્શનમાં ભાગ લેવા માટે જશે. આ પ્રદર્શન નિહાળવા વિસ્તારની વિવિધ શાળાઓમાંથી લગભગ ૨૮૦ જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખરેડા ગામના આગેવાનો તેમજ શાળાના ટ્રસ્ટીઓએ પણ કાર્યક્રમની શોભા વધારી હતી. સમગ્ર આયોજન શાળાના આચાર્ય ઘનશ્યામભાઈ એમ. કુંડારિયા અને શાળા પરિવાર દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન SVS કન્વીનર સંજીવભાઈ જાવિયા દ્વારા કરવામાં આવ્યું, તેમજ તેમણે તમામ વિજેતા અને ભાગ લેનાર વિદ્યાર્થીઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા.









