મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ પ્રોહી. જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા અવારનવાર સૂચના કરેલ હોવાથી તે અન્વયે મદદનીશ પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર કામે લાગ્યું છે અને ગઈકાલે મોરબી રવાપર ધુનડા રોડ વિસ્તારમાંથી એક જુગારનો અખાડો ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને ખાનગીરાહે બાતમી મળેલ હતી કે, મોરબીના રવાપરમાં ધુનડા રોડ પર આવેલ રવાપર રેસીડેન્સી ગંગા એપાર્ટમેન્ટનાં બ્લોકનં.૬૦૩માં જુગારધામ ચાલી રહ્યો છે. જે હકીકતના આધારે પોલીસે રેડ કરી જુગારનો અખાડો ચલાવતા નીતાબેન દેવજીભાઇ બોડા ઝડપાઈ આવ્યા હતા અને તેમની સાથે જુગાર રમતા જોશનાબેન સંજયભાઇ રાઠોડ અને સંજયભાઇ દેવજીભાઇ રાઠોડ ઝડપાયા હતા. જે ત્રણેય સાથે મળી જુગાર રમી રહ્યા હતા. ત્યારે પોલીસે સ્થળ પરથી રોકડા રૂ.૨૩,૧૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી ત્રણેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.