મોરબી શહેરના પ્રાથમિક જરૂરીયાતને લગતા પ્રશ્નોને ધ્યાને લેવાની માંગ સાથે આજ રોજ મોરબી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મોરબી મહાનગરપાલિકાના કમિશ્નરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.જેમાં તેઓ દ્વારા વિવિધ નવ મુદ્દાઓ અંગે રજૂઆત કરવામાં આવી છે.
મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા મોરબી મહાનગરપાલિકાના કમિશ્નરને કરવામાં આવેલ લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે, મોરબી શહેરની જનતા પાસેથી આજ દિન સુધી નગરપાલીકા કચેરીને કરોડો રૂપિયાનો ટેકસ વસુલ કરવામાં આવ્યો છે. તેમ છતાં પણ તંત્ર દ્વારા ક્યાંકને ક્યાંક ભ્રષ્ટાચાર આચરી, લોકોના ટેકસની આવકનો દુરઉપયોગ કરી લોકોને પ્રાથમિક જરૂરીયાતો પુરી પાડવામાં આવેલ નથી. જેથી અમારી માંગ છે કે, મોરબી શહેરમાં લાતી પ્લોટ વિસ્તારની તમામ શેરીમાં નવી ભુગર્ભ ગટર યોજના તથા સી.સી. રોડ બનાવવામાં આવે. મોરબી તાલુકાના જે ગામોને મહાનગરપાલીકામાં ભેળવવામાં આવેલ છે. તે તમામ ગામોમાં કચરા એકત્ર કરવા માટે વાહનોની સુવિધા પુરી પાડવામાં આવે. મોરબી શહેરમાં બીનકાયદેસર રીતે આડેધડ લોકોના જીવને જોખમમાં મુકનારા જાહેરાતના હોર્ડીંગ્ઝને તાત્કાલીક ધોરણે દુર કરાવવા. મોરબી શહેરના ઘણા વિસ્તારોમાં સ્ટ્રીટલાઈટો ૨૪ કલાક ચાલુ છે તે બંધ કરાવવી જોઈએ. મોરબી શહેરમાં વોર્ડ નં.૪ માં આવેલા કમલા પાર્ક સોસાયટી શેરી નં.૧ અને ૪ માં ભુગર્ભ ગટર લાઈન અત્યંત ખરાબ છે. ત્યાં પાણીનો નિકાલ અત્યંત જરૂરી છે. મોરબી શહેરમાં વોર્ડ નં.૧૩ માં જેલ રોડની સામેના ભાગમાં આવેલ વિસ્તારમાં ગંદકીના ગંજ અને ઉકરડા છે જે હટાવવા જોઈએ. મોરબી શહેરમાં સો-ઓરડી, ચકકર રોડ, માળીયા વનાળીયા સહિતના અનેક વિસ્તારમાં સી.સી. રોડ બનાવવા. મોરબી શહેરમાં નટરાજ ફાટકથી જુની પોસ્ટ ઓફીસ ક્લેક્ટર કચેરી તરફનો રોડ પહોળો કરી ડબલ લેન બનાવવો. તેમજ મોરબી શહેરમાં ચાલતા આડેધડ બિનકાયદેસર બાંધકામ તાત્કાલીક ધોરણે અટકાવી અને દુર કરવામાં આવે. આ તમામ પ્રશ્નો અંગે અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી છે. તેમ છતાં આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના નક્કર પગલાં લેવામાં આવ્યા નથી, જેથી આ પ્રશ્નોને ધ્યાને લઇ વિકાસ કર્યો કરવામાં આવે તેવી મોરબી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા માંગ કરાઈ છે.