25 જાન્યુઆરી એટલે કે ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’. મતદારોની શક્તિને અનેરી ઓળખ આપતા આ દિવસે મોરબીના કલેકટર દ્વારા ગૌશાળાના શિક્ષક સંજય બાપોદરિયાનું બેસ્ટ બીએલઓ તરીકે સન્માન કરાયું હતું.
ભારત સરકાર દ્વારા વધુને વધુ યુવા મતદારોને મતદાન વિષયે જાગૃત કરવા, પ્રોત્સાહિત કરવા અને મતદાનની રાજકીય પ્રણાલીમાં જોડવાના ઉદ્દેશથી દર વર્ષે ૨૫ જાન્યુઆરીના દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ ઉજવણીની શરૂઆત ૨૫ જાન્યુઆરી, ૨૦૧૧થી કરવામાં આવી છે. ૨૫ જાન્યુઆરી ચૂંટણી પંચનો સ્થાપના દિવસ છે. જે અંતર્ગત મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૨૫ જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ ૧૫ મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી જે.એ.પટેલ મહિલા કૉલેજ, મોરબી ખાતે કરવામાં આવી હતી. જેમાં ગૌશાળા પ્રાથમિક શાળા-મોરબીના શિક્ષક અને ૬૫-મોરબી વિધાનસભા મતવિસ્તાર, ભાગ નંબર- ૨૪૧ ના BLO સંજયકુમાર બાપોદરિયાનું BLO તરીકેની સેવાઓ અને અનુકરણીય કામગીરી બદલ મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.