મોરબીમાં ટાઇલ્સ ટ્રેડિંગની દુકાન ધરાવતા યુવકે રવાપર રોડ ખાતે લીધેલ દુકાનનો વેરો ભરવા ત્રણ દિવસથી ફોન કરવા છતાં વેરો ન ભરેલ હોય જે બાબતનો ખાર રાખી રાયફલ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપવા ઉપરાંત હાથમાં આડેધડ લાકડીઓ મારી ફ્રેકચર જેવી ઇજા પહોંચાડનાર શોપિંગ કોમ્પ્લેક્ષ-ધારક આરોપી વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીના રવાપર રોડ ઉપર આસ્થા-બી એપાર્ટમેન્ટમાં રહેતા જીનેશભાઈ શૈલેષભાઇ ઝાલરીયા ઉવ.૨૧ એ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી બાબુભાઇ પટેલ રહે. મોરબી સરદાર બાગ પાછળ આદર્શ સોસાયટી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યા અનુસાર જીનેશભાઈ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં પરફેક્ટ ટાઇલ્સ નામની દુકાનમાં ટાઇલ્સ ટ્રેડિંગનો વેપાર કરે છે ત્યારે જીનેશભાઈના પિતા દ્વારા દસ વર્ષ પૂર્વે આરોપી બાબુભાઇ રવાપર રોડ સ્થિત શોપિંગમાં દુકાન વેચાતી લીધેલ હોય જે દુકાનનો વેરો ભરવા માટે આરોપી બાબુભાઈએ ત્રણ દિવસ પહેલા જીનેશભાઈને ફોન કરીને જાણ કરી હોય ત્યારે દુકાનના વેરાના કેટલા રૂપિયા થશે જે બાબતે જીનેશભાઈ આરોપી બાબુભાઇના આદર્શ સોસાયટીમાં આવેલ મકાને પૂછવા જતા, બાબુભાઈએ કહ્યું કે ‘ત્રણ દિવસથી દુકાનનો વેરો ભરવા ફોન કરેલ છતાં વેરો નથી ભર્યો’ તેમ કહી જીનેશભાઈને ગાળો આઓવ લાગેલ જેથી ગાળો આપવાની ના પાડતા આરોપી બાબુભાઇએ રાયફલ બતાવી પતાવી દેવાની ધમકી આપી લાકડી વડે જીનેશભાઈને માર મારવા લાગ્યા હતા, જ્યાંથી જીનેશભાઈ વધુ મારથી બચવા પોતાની કાર લઈને ભાગી ગયા હતા. ત્યારે આડેધડ લાકડીઓ મારથી જીનેશભાઈને હાથમાં ફ્રેકચર જેવી ઇજાઓ પહોંચી હતી.
ત્યારે સમગ્ર બનાવ મામલે જીનેશભાઈની ફરિયાદને આધારે સીટી એ ડિવિઝન પોલીસે આરોપી બાબુભાઇ પટેલ વિરુદ્ધ બીએનએસ તથા જીપી એક્ટ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.