મોરબી સાયબર ક્રાઇમ પોલીસે ૩૮.૪૨ લાખના સાયબર ફ્રોડના નાણા સગેવગે કરવાના રેકેટનો પર્દાફાશ કર્યો.
મોરબીમાં રાજ્ય વ્યાપી ચાલતા ઓપરેશન મ્યુલ હંટ અભિયાન અંતર્ગત સાયબર ફ્રોડથી મેળવેલ રૂ.૩૮.૪૨ લાખની રકમ અલગ અલગ બેન્ક ખાતાઓ મારફતે ઉપાડી સગેવગે કરવાના ગુનામાં ચાર આરોપીઓ સામે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન મોરબીમાં ગુનો નોંધાયો છે.
મોરબી શહેર વિસ્તારમાં સાયબર ફ્રોડથી મેળવેલ નાણા સગેવગે કરવાના આરોપસર વધુ ચાર આરોપીઓ (૧)જયદિપપુરી કિશોરપુરી ગોસ્વામી રહે.સીરામીક સીટી અવધ પેલેસ ફલેટ નંબર ૭૦૩ લાલપર તા.મોરબી, (૨)આર્યમન ઉર્ફે ઉદય રાજેશભાઇ રૂંજા રહે.બોરીચા વાસ મોરબી હાલ રહે.ધર્મસૃષ્ટ્રી સોસાયટી શનાાળા બાયપાસ મોરબી, (૩)ભરતભાઇ પરમાર રહે.ધુનડા(સજજનપર) તા.ટંકારા તથા (૪)અભિષેકસિંહ ઉર્ફે અભિરાજસિંહ દશરથસિંહ જાડેજા રહે.મોરબી વાળા તથા તપાસમાં ખુલ્લે તેની વિરુદ્ધ ફરિયાદ નોંધી છે કે, આરોપીઓએ પૂર્વ આયોજનબદ્ધ ગુનાહિત કાવતરું રચી સાયબર ફ્રોડથી મેળવેલા નાણાં સગેવગે કરવા માટે અલગ અલગ વ્યક્તિઓના બેન્ક ખાતાઓનો ઉપયોગ કર્યો હતો. આ કેસમાં મુખ્ય આરોપી અભિષેકસિંહ ઉર્ફે અભિરાજસિંહ દશરથસિંહ જાડેજા દ્વારા પોતાના સંપર્કમાં રહેલા અન્ય આરોપીઓ સાથે મેળાપીપણું કરી તા. ૨૮/૧૧/૨૦૨૫ થી તા. ૧૦/૧૨/૨૦૨૫ દરમ્યાન આરોપી જયદિપપુરી કિશોરપુરી ગોસ્વામી, આર્યમન ઉર્ફે ઉદય રાજેશભાઇ રૂંજા તથા ભરતભાઇ પરમારને એજન્ટ તરીકે નિમવામાં આવ્યા હતા. આરોપીઓને આર્થિક લાભની લાલચ આપી તેઓના બેન્ક એકાઉન્ટમાં સાયબર ફ્રોડથી મેળવેલી કુલ રૂ. ૩૮,૪૨,૬૫૦/-ની રકમ જમા કરાવવામાં આવી હતી. પછી આ રકમ ચેક અને એ.ટી.એમ. મારફતે ઉપાડી આંગડીયા મારફતે અન્યત્ર મોકલી સગેવગે કરવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. હાલ મોરબી સાયબર ક્રાઇમ પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.









