મોરબીના નવલખી રોડ વજેપર સર્વે નં.૨૧૫ પૈકીની જમીન કે જે સયુંકત ભાયુ-ભાગીદારીની ખેડવાણ જમીનમાં આશરે ૫ થી ૭ ગુઠા ગેરકાયદેસર પેસકદમી કરી ઢોરને બાંધવાનો વાડો કરી ગેરકાયદેસરનું દબાણ કરનાર ઈસમ વિરુદ્ધ મોરબી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા ભોગ બનનાર દ્વારા જીલ્લા કલેક્ટર કચેરીમાં આરોપી વિરુદ્ધ જમીનમાં ગેરકાયદેસર દબાણ કર્યાની અરજી કરવામાં આવી હતી જેના અનુસંધાને તપાસ તથા નિવેદનો લીધા બાદ કલેક્ટર કચેરીના આદેશ મુજબ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી મુજબ વાવડી રોડ બાવરાની વાડી વિસ્તારમાં રહેતા મોહનભાઇ મોતીભાઈ પરમાર ઉવ.૬૫ દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી રમેશભાઈ ગોકળભાઈ ખાટારીયા રહે.નવલખી રોડ રોકડીયા હનુમાનજી મંદિર પાસે મૂળરહે. માધાપર પરમારની વાડી વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાવી કે વજેપર ગામતળની સર્વે નંબર ૨૧૦ પૈકી ૨ ની જમીનમાં આશરે ૦૬ વીધા સંયુકત ભાગીદારીની જમીન આવેલી છે. આ ખેતર જમીનની બાજુના ખરાબામાં આરોપી રમેશભાઈ ગોકળભાઈ ખાટારીયા છેલ્લા ૧૦ થી ૧૨ વર્ષથી માલઢોર બાંધવાનો વાડો કરી ધીરેધીરે ફરિયાદીની ખેતરની જમીનમાં દબાણ કરવાનું ચાલુ કરતા આ બાબતે ફરિયાદીને જાણ થતા આરોપી રમેશભાઇને જમીનમાં કરેલ દબાણ અંગેનું દબાણ દુર કરવા સમજાવવા જતા આરોપીએ ઉગ્ર સ્વભાવે અને ઉશ્કેરાઇ કહેવા લાગેલ કે આ જમીન ખરાબાની છે.
ઉપરોક્ત બાબતે ફરિયાદીએ આરોપી સાથે ઝઘડો કરવાનું ટાળી જમીનમાં થયેલ કબ્જા અંગે સરકારી જરીફ દ્રારા માપણી કરાવતા સર્વે નંબર ૨૧૦ પૈકી ૨ જમીન ઉપર આશરે ૫ થી ૭ ગુઠા જમીનમાં ગેરકાયદેસર દબાણ કરાયા હોવાનુ સામે આવતા મોરબી જીલ્લા કલેકટર કચેરી ખાતે અરજી કરવામાં આવતા જે મુજબ તપાસ તથા બંને પક્ષોના નિવેદનો લીધા બાદ કલેક્ટર કચેરીના આદેશ મુજબ આરોપી રમેશભાઈ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ દાખલ કરતા એ ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.