મોરબીના રહેવાસીની સળગી ગયેલી કારનો ક્લેઇમ ન ચૂકવતા ઈફકો ટોકીયો ઈન્સ્યુરન્સ કંપની વિરુદ્ધ ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરતા, અદાલતે ક્લેઇમ યોગ્ય ઠરાવી કંપનીને રૂ. ૧૨.૦૮ લાખ રકમ ૬% વ્યાજ સાથે ચુકવવાનો આદેશ કર્યો છે. નક્કી સમયમર્યાદામાં રકમ ન ચૂકવે તો ૯% વ્યાજ વસૂલવાનો મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો હતો.
મોરબીના વતની ભરતભાઈ નાથાભાઈ ડાભીની કાર વર્ષ ૨૦૨૪માં સળગી જવાની ઘટના બાદ તેમણે ઈફકો ટોકીયો જનરલ ઈન્સ્યુરન્સ કંપની પાસેથી વીમાનો ક્લેઇમ માંગ્યો હતો. તા.૮ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ ભરતભાઈ તેમના કર્મચારીની દિકરીને દવાખાને લઈ જતા હતા. આ દરમિયાન પેટ્રોલ પંપ પાસે તેમની કાર અન્ય એક રિક્ષા સાથે અથડાઈ હતી. અકસ્માતમાં કારના આગળના ભાગે નુકસાન થયું હોવા છતાં કાર ચલાવવામાં કોઈ તકલીફ નહોતી. જે બાદ કારને પાર્ક કર્યા પછી અચાનક બોનેટમાંથી ધુમાડો નીકળવા લાગ્યો અને કારમાં આગ લાગી, જેના કારણે કારને ભારે નુકસાન થયું હતું. બનાવ બાદ ઘટનાની જાણ ઈફકો ટોકીયો ઈન્સ્યુરન્સ કંપનીને કરવામાં આવી અને તમામ પુરાવાઓ સાથે ક્લેઇમ કરવામાં આવ્યો હતો. તેમ છતાં કંપનીએ રેપ્યુડીયેશન લેટર મોકલી અયોગ્ય કારણ દર્શાવી ક્લેઇમ ચુકવવાનો ઇનકાર કર્યો હતો.
આથી ભરતભાઈ ડાભીએ મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા મારફતે ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કર્યો હતો. સુનાવણી દરમિયાન અદાલતે જણાવ્યું કે પોલિસીમાં “રિટર્ન ટુ ઈનવોઈસ” માટે ગ્રાહક પાસેથી પ્રીમીયમ લેવાયુ છે અને વીમા પ્રીમિયમ નિયમિત ભરવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાને આધારે અદાલતે સ્પષ્ટ કર્યું કે વીમો ભરવામાં આવ્યો હોય તો વીમા કંપની ક્લેઇમ ચૂકવવા બાંયધર છે. આથી ગ્રાહક અદાલતે ઈફકો ટોકીયો ઈન્સ્યુરન્સ લિ.ને ગ્રાહક ભરતભાઈને રૂ. ૧૨,૦૮,૫૬૫/- તા. ૧૯-૧૧-૨૦૨૪થી ૬% વ્યાજ સાથે બે મહિનાની અંદર ચુકવવાનો આદેશ કર્યો છે. નક્કી સમયમર્યાદામાં ચૂકવણી ન કરવામાં આવે તો ૯% વ્યાજ લાગુ પડશે. ઉપરાંત ફરિયાદીને રૂ. ૫,૦૦૦/- ખર્ચ પણ ચુકવવાનો આદેશ કરવામાં આવ્યો છે









