ખોટા દસ્તાવેજથી ગોડાઉન ભાડે, વાહનોની બીલ્ટીથી વિદેશી દારૂ મંગાવતો હતો, વિદેશી દારૂ પણ નકલી હોવાનું સામે આવ્યું.
મોરબી સીટી એ ડિવિઝન અને ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલ બે અલગ-અલગ ગોડાઉનના ઇંગ્લીશ દારૂના કેસમાં મુખ્ય આરોપી, જે ખોટા દસ્તાવેજો આધારે ગોડાઉન ભાડે રાખીને દારૂનો ધંધો ચલાવતો હતો, તેને મોરબી ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનના જાલોર જીલ્લામાંથી ઝડપી લીધો છે.
મોરબીમાં ગઇ તા.૨૬ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ શક્ત શનાળા રાજપર રોડ ઉપર ભુમી નામના ગોડાઉનમાં સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર ટીમ દ્વારા દરોડો પાડી ઇંગ્લીશ દારૂની ૧૭,૫૧૪ નંગ બોટલ કિ.રૂ.૭૬.૩૯ લાખ તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૧.૧૧ કરોડનો મુદામાલ કબ્જે કરેલ કુલ-૪ આરોપીઓને સ્થળ ઉપરથી પકડી પાડી કુલ-૧૧ આરોપીઓ વિરુધ્ધ ગુનો નોંધાયો હતો. જ્યારે ટંકારાના લજાઇ જી.આઇ.ડી.સી.માં શ્રી સંકલ્પ ગોડાઉનની સામે આવેલ બંધ ગોડાઉનમાં પણ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડો કરી ઇંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાંડની ૨,૧૪૭ નંગ બોટલો કિ.રૂ.૧૧.૮૧ લાખનો મુદામાલ પકડી પાડી આરોપીઓ વિરુધ્ધ ટંકારા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો હતો.
ઉપરોક્ત બન્ને ગુનાઓની તપાસ માટે મોરબી જીલ્લા એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી એલસીબી ટીમને સોંપવામાં આવી હતી. જેથી આ ગુનામાં ઇંગ્લીશ દારૂનો જથ્થો મોકલનાર, કબ્જે કરેલ વાહન માલીકો તથા ચાલક તેમજ ઇંગ્લીશ દારૂની ડિલેવરી વાઇઝ તપાસ, મળી આવેલ બિલ્ટી, ગોડાઉન ભાડેથી રાખનાર કમલેશ હનુમાનરામ રહે. અડાસર બિકાનેર રાજસ્થાન વાળાઓને સત્વરે પકડી પાડવા મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડના દ્વારા અલગ-અલગ ટીમો બનાવી મહારાષ્ટ્ર,ગોવા, કર્ણાટક તથા રાજસ્થાન રાજ્યમાં મોકલી તપાસ કરાવતા બન્ને ગુનાના કામે ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવેલ તે તમામ દારૂ ડુપ્લીકેટ હોવાનુ તેમજ કબ્જે કરેલ બિલ્ટી ખોટી હોવાનુ અને કબ્જે કરેલ વાહનો પણ ખોટા ડોક્યુમેન્ટ રજુ કરી ખરીદ કરેલ હોવાનુ સામે આવ્યું છે, તદુપરાંત ગોડાઉન ભાડા કરારથી ભાડે રાખનાર કમલેશ હનુમાનરામ નામની કોઇ વ્યક્તી નહી હોવાનુ અને આ ભાડા કરારથી ગોડાઉન ભાડે રાખનાર વ્યક્તીએ પોતાની ખોટી ઓળખ આપી ખોટા આધારકાર્ડ બનાવી તેમજ ખોટી સહીઓ કરી આ બન્ને ગોડાઉન ભાડે રાખેલ હોવાનુ તપાસમાં સામે આવ્યું હતું. જેથી ભાડા કરારમાં રહેલ ડોક્યુમેન્ટ તથા ફોટાની ઓળખ કરતા આ વ્યક્તિ કમલેશ હનુમાનરામ નહી પરંતુ જગદીશ ઉર્ફે જેડી પપ્પુરામ ઠાકરારામ સાહુ રાજસ્થાન વાળો હોવાનુ તપાસ દરમિયાન જણાય આવ્યું હતું.
આ સાથે મુખ્ય સૂત્રધાર આરોપી વિશે રાજસ્થાન રાજ્યના જાલોર જીલ્લાના ગાંધવ બાકાસર વિસ્તારમાં તપાસ કરતા તે મળી આવ્યો હતો, ત્યારે પકડાયેલ આરોપી જગદીશ ઉર્ફે જેડી પપ્પુરામ ઠાકરારામ સાહુ રહે.મેઘાવા ગામ, તા. ચિતલવાણા, જી. જાલોર, રાજસ્થાન વાળાની સઘન પુછપરછ કરતા ઉપરોક્ત બન્ને ગોડાઉન પોતે ખોટા ડોક્યુમેન્ટ બનાવી ભાડેથી રાખેલ હોવાનુ અને તેમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો પોતાના ભાગીદારો સાથે મળી મંગાવેલ હોવાનુ તેમજ ખોટી બિલ્ટી તથા વાહનો ખોટા ડોક્યુમેન્ટ રજુ કરી પોતાના ભાગીદારોએ મંગાવેલ હોવાની કબુલાત આપી હતી, ત્યારે આરોપીની અટક કરી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.