મોરબી તાલુકાના લાલપર ગામ નજીકના વિસ્તારમાંથી દોઢેક વર્ષ પહેલા ચોરી કરેલ બાઇક સાથે રીઢા વાહનચોરને મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમ દ્વારા દબોચી લેવામાં આવ્યો છે. ત્યારે પકડાયેલ રીઢા વાહન ચોર પાસેથી અન્ય એક ચોરી કરેલ બાઇક સહિત બે બાઇક કબ્જે કરવામાં આવ્યા હતા.
મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન તાલુકા નાગડાવાસ ગામના પાટીયા પાસે આવતા એક ઇસમ શંકાસ્પદ હાલતમાં બાઇક સાથે ઉભેલ હોય જેથી તેને રોકી તેની પાસે રહેલ બાઇક હીરો સ્પ્લેન્ડર નંબર પ્લેટ વગરનુ હોય જેના રજીસ્ટર દસ્તાવેજી આધાર પુરાવા માંગતા તેની પાસે નહિ હોવાનું જણાવેલ જેથી બાઇકની અન્ય વિગતો ઇ-ગુજકોપમાં સર્ચ કરતા આ બાઇકની ચોરી થાય અંગેની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આરોપી વિવેકદાન અમીરદાન બારહટ ઉવ-૨૪ રહે.વીરવીદરકા તા.માળીયા(મી) ની સ્થળ ઉપરથી અટક કરવામાં આવી હતી. પકડાયેલ આરોપીની સઘન પૂછતાછ કરતા તેની પાસેથી બીજુ એક બાઇક હીરો સ્પેલન્ડર પ્લસ મળી આવ્યું હતું જે બાઇક પણ તેણે દોઢેક વર્ષ પહેલા લાલપર ગામ પાસેથી ચોરી કર્યાની કબુલાત આપી હતી. ત્યારે ક્રાઇમ બ્રાંચ પોલીસે આરોપી પાસેથી બે બાઇક જે.આ આર્ક ચોરી કરેલ બાઇક તથા બીજું જે બાઇક તેની પાસેથી મળી આવ્યું તે શકપડતી મિલકત તરીકે કબ્જે લઈ આરોપીને મોરબી તાલુકા પોલીસ મથકમાં સોંપવામાં આવ્યો છે.
ઉપરોક્ત ચોરાઉ બાઇક સાથે પકડાયેલ આરોપી વિવેકદાન અમીરદાન બારહટ દિવસ દરમિયાન હાઇવે નજીક હોટલ તેમજ મકાન બહાર પાર્ક કરેલ બાઇક જે હેન્ડલ લોક કર્યા વગરના હોય તેની રેકી કરીતેનું ઈગનીશન લોક ડાયરેકટ કરી ચોરી કરવાની ટેવ વાળો હોવાનું બહાર આવ્યું છે. હાલ તેની પાસેથી હિરો સ્પેલન્ડર બાઇક નંબર પ્લેટ વગરનુ કિ.રૂ.૧૦ હજાર તથા હિરો સ્પેલન્ડર પ્લસ બાઇક નંબર પ્લેટ વગરનુ કિ.રૂ.૩૦ હજાર એમ કુલ કિ.રૂ.૪૦,૦૦૦/- નો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે.
આ કામગીરીમાં ઇન્ચાર્જ એલસીબી પીઆઈ એમ.પી.પંડ્યા, પીએસઆઇ કે.એચ. ભોચિયા,વી.એન પરમાર તેમજ એલસીબી અને પેરોલ ફર્લો સ્કોડ નો સ્ટાફ જોડાયો હતો.









