માળીયા તાલુકાના માણાબા ગામ નજીક આજથી બે વર્ષ પહેલા ચોરી થયેલ મોટર સાયકલ ચોરીનો અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરી એક ઇસમને ચોરી કરેલ ૦૨ મોટર સાયકલ કિંમત રૂ.૪૦,૦૦૦/- ના મુદામાલ સાથે ક્રાઇમ બ્રાન્ચ મોરબી દ્વારા પકડી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, અશોકકુમાર (IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, પોલીસ અધિક્ષક મોરબી રાહુલ ત્રિપાઠી (IPS)એ મિલ્કત સબંધી ગુના બનતા અટકાવવા તથા અનડીટેકટ શોધી કાઢવા તથા ગુન્હેગારો પકડવા એમ.પી.પંડયા પોલીસ ઇન્સપેકટર, એલ.સી.બી. મોરબીને સુચના આપી હતી. જે અંતર્ગત પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી મોરબીની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ બી.ડી.ભટ્ટ, એસ.આઇ.પટેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ એલ.સી.બી./ પેરોલ સ્ટાફના માણસો કામગીરી કરવા કાર્યરત હતા. તે દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના HC ચંદુભાઇ, કાણોતરા, PC દશરથસિંહ પરમાર, ભગીરથસિંહ ઝાલા માળીયા (મિં) પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન માળીયા (મિં) નજીક આવેલ ખિરઇ ગામના પાટીયા પાસે હાઇવે ઉપર આવતા એક ઇસમ નંબર પ્લેટ વગરના મોટર સાયકલ ઉપર શંકાસ્પદ રીતે જણાતા ઇસમને રોકી તેની પાસે રહેલ મોટર સાયકલ જોતા હીરો સ્પ્લેન્ડર પ્રો. કંપનીનુ નંબર પ્લેટ વગરનુ હોય જેના કાગળો તથા આધાર પુરાવા માંગતા પોતાની પાસે નહિ હોવાનુ જણાવતા અને મોટર સાયકલ તેણે આજથી બે વર્ષ પહેલા માળીયા (મિં) તાલુકાના માણાબા ગામની સીમમાં આવેલ ધોડાધ્રોઇ નદીના રેલ્વે પુલ નીચેથી ચોરી કરેલ હોવાનુ જણાવ્યુ હતું. તે સીવાય પણ અન્ય એક મોટર સાયકલ આજથી બે વર્ષ પહેલા મોરબી તાલુકાના ખોખરા હનુમાનજીના મંદીરના સામેના ભાગેથી ચોરી કરી હતી. જે મોટર સાયકલ હાલ બંધ હાલતમાં તેના ઘરે પડેલ હોવાનુ જણાવ્યુ હતુ. જે બન્ને મોટર સાયકલ બાબતે ઇ-ગુજકોપમાં સર્ચ કરતા એક મોટર સાયકલને લઈને માળીયા (મિં) પોલીસ સ્ટેશનમાં મોટર સાયકલ ચોરીનો ગુન્હો રજીસ્ટર થયો હતો. અન્ય જે મોટર સાયકલ જે ચોરી કે છળકપટથી મેળવેલ શકપડતી મિલ્કત તરીકે મળી આવતા બન્ને મોટર સાયકલ કિંમત રૂ. ૪૦,૦૦૦ સાથે આરોપી રફિકભાઈ નુરમામદભાઈ ઉર્ફે નામોરી સામતાણીની અટક કરી માળીયા મીયાણા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવ્યો હતો.
જેમાં એમ.પી.પંડયા, પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી, વી.એન.પરમાર પોલીસ ઇન્સપેકટર પેરોલ/ફર્લો સ્કોડ મોરબી, PSI બી.ડી.ભટ્ટ, એસ.આઈ.પટેલ તેમજ એલ.સી.બી./પેરોલ સ્ટાફના માણસો દ્વારા કામગીરીમાં જોડાયા હતા.